અમારું વલણ સ્પષ્ટ કર્યું છે. વીર સાવરકર રાજ્ય માટે, આપણા માટે અને દેશ માટે આદરની વાત છે : સંજય રાઉત

મુંબઇ,સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાયું છે. તેમણે કહ્યું, વીર સાવરકર આપણા અને દેશ માટે આદરનો વિષય છે. આંદામાનમાં ૧૪ વર્ષ સુધી કાળા પાણીની સજા આસાન નથી. આવી ટિપ્પણીનો મહારાષ્ટ્રના લોકો જડબેસલાક જવાબ આપી શકે છે. અમે તમારી સાથે છીએ પણ વીર સાવરકર અમારી પ્રેરણા છે.

આ કોઈ ચેતવણીની વાત નથી, અમે અમારું વલણ સ્પષ્ટ કર્યું છે. વીર સાવરકર રાજ્ય માટે, આપણા માટે અને દેશ માટે આદરની વાત છે અને હંમેશા રહેશે. વીર સાવરકરે જે રીતે દેશ માટે કાળા પાણીની સજા સ્વીકારી છે અને ૧૪ વર્ષ જેલમાં રહ્યા છે તે સરળ વાત નથી. અમને ખબર છે કારણ કે અમે પણ જેલની સજા કાપીને અહીં આવ્યા છીએ, હવે તે વ્યક્તિ જીવિત નથી, જો તમે તમારી વાત રાખવા માટે આવા વ્યક્તિ પર આ રીતે કાદવ ઉછાળો તો રાજ્યની જનતા તમને જડબાતોડ જવાબ આપી શકે છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સાવરકરનું અપમાન ન કરવાની ચેતવણી આપતા શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ચેતવણી આપી હતી કે સાવરકરને અપમાનિત કરવાથી વિપક્ષી ગઠબંધનમાં તિરાડ સર્જાશે. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે તેઓ હિન્દુત્વના વિચારક વીડી સાવરકરને પૂજવે છે અને કોંગ્રેસ નેતાને તેમનું અપમાન કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, સાવરકરે ૧૪ વર્ષ સુધી આંદામાન સેલ્યુલર જેલમાં અકલ્પનીય યાતનાઓ સહન કરી. અમે ફક્ત વેદનાઓ જ વાંચી શકીએ છીએ. તે બલિદાનનું એક સ્વરૂપ છે. અમે સાવરકરનું અપમાન સહન નહીં કરીએ. તેમણે વધુમાં કહ્યું કે જો રાહુલ ગાંધી સાવરકરની નિંદા કરવાનું ચાલુ રાખશે તો વિપક્ષી ગઠબંધનમાં ’તિરાડ’ પડશે. શિવસેના (યુબીટી)ના વડાએ કહ્યું, વીર સાવરકર આપણા ભગવાન છે અને તેમના પ્રત્યે કોઈપણ પ્રકારનો અનાદર સહન કરવામાં આવશે નહીં.