અમરનાથ યાત્રામાં ભૂખસ્ખલનમાં ગુજરાતી મહિલાનું મોત, માથામાં મોટો પથ્થર વાગ્યો

  • સપ્તાહમાં ત્રીજા ગુજરાતી અમરનાથ યાત્રીનું મોત.

સુરત, ભારે વરસાદને કારણે આ વર્ષે અમરનાથ યાત્રાને અસર પડી છે. અમરનાથ યાત્રા અધવચ્ચે અટકાવી દેવાઈ છે. તો અનેક ભક્તો રસ્તામાં અટવાયા છે. આવામાં અમરનાથની યાત્રાએ ગયેલા સુરતની મહિલાનું મોત નિપજ્યું છે. સુરતના કામરેજના ઉર્મિલાબેન મોદી અમરનાથની યાત્રાએ ગયા હતા, જેમાં ભુસ્ખલન થતાં ઉર્મિલાબેનને માથાના ભાગે પત્થર વાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમરનાથ યાત્રા દરમિયાન એક જ સપ્તાહમાં આ ત્રીજા યાત્રીનું મોત નિપજ્યું છે.

ઉર્મિલાબેન મોદી હજી દોઢ મહિના પહેલા જ અમેરિકાથી ગુજરાત આવ્યા હતા. તેઓ સુરત જિલ્લાના કામરેજના વતની છે. આ દરમિયાન તેઓએ અમરનાથ યાત્રાએ જવાનું નક્કી કર્યું હતું. ગત ૫ જુલાઈના રોજ તેઓ અમરનાથ જવા રવાના થયા હતા. પરંતું યાત્રા દરમિયાન અચાનક ભૂસ્ખલન થયુ હતું, અને તેમના માથા પર પથ્થર પડ્યો હતો. જેથી તેમનુ મોત નિપજ્યુ હતું. હાલ ઊર્મિલાબેનના મૃતદેહને વતન લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. તો બીજી તરફ, માંડવીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિને આ ઘટના અંગે જાણ થઈ હતી. જેથી તેઓએ સરકારમાં મદદ માંગી હતી કે, ઊર્મિલાબેનના  મૃતદેહને વતન લાવવા મદદ કરવામાં આવે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મદદે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અનેક ગુજરાતીઓ હાલ અમરનાથ યાત્રાએ છે, જેઓ રસ્તામાં અટવાયા છે. ગઈકાલે કોંગ્રેસના અધ્યક્ષ  શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી હતી કે, હરિદ્વાર જઈ રહેલ ગુજરાતના યાત્રીઓ ગઈ કાલથી હાઇવે ઉપર યાતા યાત પોલીસ સ્ટેશન , ગાઝિયાબાદ ખાતે ફસાયેલા છે આ યાત્રીઓમાં વૃધ્ધો, બાળકો અને મહિલાઓ પણ છે . ટ્રાફિક ખુલ્લો કરાવી યાત્રીઓ હરિદ્વાર પહોંચે તેવી સત્વરે વ્યવસ્થા થવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજા ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યું થયું છે. ગત ૯ જુલાઇના રોજ વડોદરાના વેમાલી ગામના રાજેન્દ્ર ભાટીયા (ઉં.વ. ૫૮)નું ખૂબ જ ઠંડી અને ઓક્સિજન ઘટી જતાં મૃત્યું થયું હતું. જ્યારે ૧૩ જુલાઇના રોજ ભાવનગરના સિદસર ગામના અમરનાથ યાત્રી શિલ્પાબેન નરેશભાઈ ડાંખરાનુ રસ્તામાં લોવર વેલી ખાતે મૃત્યુ થયું હતું. જ્યારે આજે કામરેજના ઊર્મિલાબેનનું માથામાં પથ્થર પડતાં મોત નિપજ્યું છે. આ વર્ષે ભૂસ્ખલન, વરસાદ, ઠંડી અને અન્ય આકસ્મિક બનાવોમાં કુલ ૨૪ લોકોના મોત થઇ ચુક્યા છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં ૩,૮૮૮-મીટર-ઊંચી ગુફા મંદિરની ૬૨-દિવસીય વાર્ષિક યાત્રા ૧ જુલાઈના રોજ અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલથી શરૂ થઈ હતી અને ૩૧ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.