અમરનાથ યાત્રા ખરાબ હવામાનથી ફરી રોકાઈ: યાત્રા બસને અકસ્માત: 20 શ્રદ્ધાળુઓને ઈજા

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુલગામમાં ગુરુવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં અમરનાથ યાત્રા (Amarnath Yatra) પર જઈ રહેલા 20 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી 2ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, હાલ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયેઅમરનાથગુફા પાસે વાદળ ફાટવાના કારણે 16 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.દરમિયાન, ખીણમાં અવિરત વરસાદ પછી ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, અમરનાથ યાત્રાને ગુરુવારે બંને માર્ગો પર રોકી દેવામાં આવી છે.

ઘાયલોને અનંતનાગની જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

કેન્દ્રશાસિત પ્રદેશના કુલગામ જિલ્લાના કાઝીગુંડ પાસે એક મોટી આઘાતજનક દુર્ઘટનામાં અમરનાથ યાત્રા પર ગયેલા 20 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. બદરાગુંડ વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે સવારે અમરનાથ યાત્રીઓને લઈ જતી બસ એક ડમ્પર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 20 યાત્રીઓ ઘાયલ થયા છે, ઘાયલોમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, જ્યારે 18 યાત્રીઓની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. ઘાયલોને અનંતનાગની જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી છે.

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા ફરી ખોરવાઈ

બીજી તરફ કાશ્મીર ખીણમાં વરસાદ બાદ ખરાબ હવામાનને કારણે ગુરુવારે અમરનાથ યાત્રાને બંને રૂટ પર રોકી દેવામાં આવી હતી. આ અંગે માહિતી આપતાં પવિત્ર યાત્રા સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે અમરનાથ યાત્રાને સવારે પહેલગામ અને બાલતાલ રૂટ પરથી અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે અને કોઈ પણ શ્રદ્ધાળુને પવિત્ર ગુફા મંદિર તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી.

સતત વરસાદ વરસી રહ્યો

શ્રી અમરનાથ શાઈન બોર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, અમરનાથ યાત્રાના બંન્ને માર્ગો બાલટાલ અને પહલગામમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ભુસ્ખલન થવાની આશંકા છે. ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઈ આ યાત્રા રોકવામાં આવી છે, બોર્ડના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુઓ માટે શિબિરમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે