
વડોદરા, હાલમાં અમરનાથ યાત્રા ખરાબ વાતાવરણને કારણે અટકાવી દેવામાં આવી છે. ત્યારે બાબા અમરનાથની યાત્રાએ ગયેલા શહેરના વેમાલી ગામના માજી પંચાયત સભ્ય રાજેન્દ્ર ભાટીયા અસહ્ય ઠંડીનો સામનો ન કરી શક્તા મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.
વડોદરાના વેમાલી ગામમાં રહેતા રાજેન્દ્રભાઇ મોહનભાઇ ભાટીયા અમરનાથ યાત્રામાં ગયા હતા. તેઓની સાથે વેમાલી ગામમાં રહેતા રમણભાઇ પરમાર તેમજ હોમગાર્ડમાં ફરજ બજાવતી બે મહિલાઓ અને દુમાડ ગામના એક યાત્રાળુઓ પણ બાબા અમરનાથના દર્શને ગયા હતા. વેમાલી ગામના માજી સરપંચ રાજેન્દ્રભાઇ ભાટીયા સહિત તેઓની બસના યાત્રિકો પહેલગાંવથી બાબાની ગુફા તરફ યાત્રા શરૂ કરી દીધી હતી. પરંતુ, વાતાવરણ સારું ના હોવાથી યાત્રિકોને પંચતરણી ખાતે રોકી દેવામાં આવ્યા હતા. પંચતરણીમાં ભારે વરસાદ અને માઇનસ ડિગ્રી ઠંડી હોવાથી અનેક યાત્રીકોથી ઠંડી સહન ન થતાં બીમાર પડવાનું શરૂ થયું હતું.
આપને જણાવીએ કે, અમરનાથ યાત્રા દરમિયાન મોતને ભેટેલા રાજેન્દ્રભાઇ ભાટીયા વેમાલી ગામમાં સલુન ચલાવતા હતા. ઉપરાંત તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી હોમગાર્ડમાં પણ સેવા આપતા હતા. રાજેન્દ્રભાઇને પરિવારમાં પત્ની, બે દીકરી અને એક પુત્ર છે. ઉપરાંત ભાઇ-ભાભી સહિતનો બહોળો પરિવાર છે. વેમાલીના નિલેશભાઈ પટેલે જાણવ્યા અનુસાર રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થતાં તેમનો મૃતદેહ પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવશે. જે માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
હાલમાં બાબા બરફાનીની યાત્રાને ખરાબ હવામાનને કારણે થંભાવી દેવામાં આવી છે. ત્યારે યાત્રામાં ઉપર પહોંચેલા યાત્રાળુઓને ટેન્ટમાં રોકી દેવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાંથી ૧૦ સુરતના અને ૨૦ વડોદરાના યાત્રાળુઓ ત્રણ દિવસથી ટેન્ટમાં ફસાયા છે. બરફ અને વરસાદ પડવાને કારણે તેમના ગરમ કપડા સહિતનો સામાન પલળી ગયો છે. ત્યારે યાત્રાળુએ વીડિયો બનાવી તેઓને ત્યાંથી બહાર કાઢવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.