અમારે જરૂરી તેવો પુરવઠો પૂરો પાડવા માટે રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ : વ્લાદીમીર ઝેલેન્સ્કી

કીવ : યુક્રેનના પ્રમુખ વ્લોદીમીર ઝેલેન્સ્કીએે રવિવારે રાત્રે પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે ”યુક્રેનને જરૂરી તેટલો લશ્કરી પુરવઠો નહીં મળે, તો તે વિશ્વ ઈતિહાસનું સૌથી શરમજનક પૃથ્ઠ બની રહેશે.” આ સાથે પોતાના વિડીયો મેસેજમાં તેઓએ જણાવ્યું હતું કે ”તે એવું શરમજનક બની રહેશે કે તે અમેરિકા કે યુરોપ, ઈરાનનાં શાહીદો (ડ્રોન) વિમાનો સામે કે રશિયાના ફાઈટર જેટસ્ સામે પરાજિત થયા હોય.”

ઝેલેન્કીનો આ આક્રોશ સાચો હોવાનું જણાવતા નિરીક્ષકો કહે છે કે : ”મૂળભૂત રીતે અમેરિકા સતત પશ્ચિમના દેશોની તેમજ ઝેલેન્સ્કીની બંનેની ગણતરી જ અવળી પડી હતી. રશિયા પણ પરિસ્થિતિનું યોગ્ય આકલન કરી શક્યું નથી.”

પહેલી વાત તે સૌ કોઈ જાણે છે કે રશિયાએ માન્યું હશે કે બે કે વધુમાં વધુ ચાર સપ્તાહમાં યુક્રેન પર ”વિજય” મેળવી લેશું પરંતુ બે સપ્તાહ નહીં, બે વર્ષથી પણ વધુ બે મહિના વીતી જવા આવ્યા હોવા છતાં યુક્રેનને ઘુંટણીએ પાડી શકાયું નથી. બીજી તરફ ઝેલેન્સ્કીએ તો માન્યું હશે કે જેવું રશિયા આક્રમણ કરશે કે તેવા જ અમેરિકા સહિત પશ્ચિમના દેશો રશિયાને આખરીનામું આપી છેવટે યુદ્ધ જાહેર કરશે. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે જેમ જર્મનીને પોલેન્ડ પર આક્રમણ કરતા ઈગ્લેન્ડ સહિત ફ્રાંસ વગેરેએ જર્મનીને (હીટલરને) આખરીનામું (અલ્ટીમેટમ) આપ્યું હતું તેમ આખરીનામું આપી, જર્મની સામે યુદ્ધ જાહેર કરશે. પરંતુ તેવું કશું બન્યું નહીં. પશ્ચિમના દેશોએ યુક્રેનને માત્ર શસ્ત્ર અને અન્ય પુરવઠા પુરા પાડી ઈતિશ્રી માની લીધું. તેવામાં ઈઝરાયલ-હમાસા યુદ્ધ શરૂ થઈ ગયું. નિરીક્ષકો તો ત્યાં સુધી મળે છે કે કદાચ પુતિને જ તેના એજન્ટો મારફત હમાસને ઉશ્કેર્યા હોય. જેથી દુનિયાનું ધ્યાન યુક્રેન પરતી ખસીને પૂર્વ-ભૂમધ્ય-સમુદ્ર તરફ જાય. રશિયા જ નહીં દુનિયા આખી જાણે છે કે ઈઝરાયલ મધ્ય પૂર્વમાં પ્રવેશવા માટે પશ્ચિમનું ફુટ-બોર્ડ છે. તેથી તેઓએ શસ્ત્ર પુરવઠો ઈઝરાયલ તરફ વાળતા ઝેલેન્સ્કી ”ટીંગાઈ” ગયા છે. તે યુદ્ધ દ્વારા રશિયાને શુઈ નામવાળી પણ પશ્ચિમની ગણતરી ખોટી પડી છે. રશિયા નહીં યુક્રેન થાકી ગયું છે. છતાં શસ્ત્ર પુરવઠો તેને આપવાને બદલે ઈઝરાયલને આપવો. પશ્ચિમ માટે અનિવાર્ય છે. બીજી તરફ ચીન-તાઈવાનના ભણકારા વાગે છે. તેથી તે માટે પણ શસ્ત્રો પશ્ચિમે તૈયાર રાખવા પડે. આમ સરહદે યુક્રેન માટે ”પારકી આશ સદા નીરાશ” જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. યુક્રેન તબાહ થઈ રહ્યું છે. દુનિયા જોઈ રહી છે. ઈતિહાસનું સૌથી શરમજનક પુષ્ટ લંબાઈ રહ્યું છે.