
મહારાષ્ટ્ર,મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક ટ્રાવેલર્સ બસની ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. બસમાં શાળાના વિદ્યાર્થીઓ હાજર હતા. આ તમામ વિદ્યાર્થીઓ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા જઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ૪ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને તપાસ ચાલી રહી છે. આ ઘટના અમરાવતી જિલ્લાના શિંગણાપુર ગામમાં બની હતી. અહીં સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે એક બસ આ ગામમાંથી પસાર થઈ રહી હતી. આ બસમાં એક સ્કૂલના ૨૩ વિદ્યાર્થીઓ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે અમરાવતીથી યવતમાલ જઈ રહ્યા હતા. બસ તેની સામાન્ય ગતિએ જતી હતી. આ દરમિયાન બસમાં બેઠેલા લોકોએ એક સિમેન્ટ મિક્સર ટ્રકને યવતમાલ તરફથી આવતી જોઈ હતી.
આ ટ્રક પૂરપાટ ઝડપે બસ તરફ આવી રહી હતી. સામેથી આવતી ટ્રકે વિદ્યાર્થીઓથી ભરેલી બસને જોરથી ટક્કર મારી હતી, જેના કારણે બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. બસમાં હાજર વિદ્યાર્થીઓ એકબીજા પર પડ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોએ બસમાં હાજર વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા અને પછી પોલીસને બોલાવીને સમગ્ર મામલાની જાણકારી આપી હતી.
ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નંદગાંવ ખંડેશ્ર્વરની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અન્ય એક વિદ્યાર્થીનું મોત થયું હતું. હાલમાં અન્ય ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે ઘાયલ થયેલા કેટલાક વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાથી તેમને અમરાવતીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. પોલીસ ટીમે સ્થળ પર હાજર મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે.