કોલકતા,
પશ્ર્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ફરી એકવાર સીએએ અને એનઆરસી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.શરણાર્થીઓને જમીન વિતરણના કાર્યક્રમ દરમિયાન તેમણે બાંગ્લાદેશી શરણાર્થીઓને ભારતના નાગરિક ગણાવ્યા હતા. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ઘણી વખત તેમને કહેવામાં આવે છે કે તેઓ ભારતીય નાગરિક નથી, પરંતુ જો તેઓ ભારતીય નથી તો તેમણે મતદાન કેવી રીતે કર્યું? અમારા વોટથી જ તમે વડાપ્રધાન બન્યા છો.
મોદી સરકાર પર પ્રહાર કરતા મમતા બેનર્જીએ કહ્યું કે સીએએ અને એનઆરસીના નામે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. અમારા વોટના કારણે જ તમે પીએમ બન્યા અને આજે તમે કહી રહ્યા છો કે અમને નાગરિક્તાનો અધિકાર અપાવશો.
તેમણે કહ્યું કે તમે અમને નાગરિક્તા અપાવો તે પહેલાં અમે નાગરિક છીએ. અમારા બાળકો અહીંની શાળા-કોલેજોમાં ભણે છે. નોકરી કરે છે, ઓફિસે જાય છે, પોતાની દુકાન ચલાવે છે, મજુરી કરે છે, રિક્ષા ચલાવે છે. તેમની પાસે મતદાર કાર્ડ, આધાર કાર્ડ છે એટલે જ તો તેમને અધિકાર મળે છે. તેમનું રેશનકાર્ડ બની ગયું છે, તેમનું નામ મતદાર યાદીમાં છે.
તેમણે કહ્યું, ‘મતદાર યાદીને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે. મતદાર યાદીમાં તમારું નામ જરૂર તપાસો. જો કોઈ ભૂલ હશે તો તમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે અને તમને એનઆરસીના નામે ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે.’