નવીદિલ્હી, મૌલાના સાજિદ રશીદીએ આરએસએસ નેતા ઈન્દ્રેશ કુમારની અપીલ પર પ્રતિક્રિયા આપી છે. ઈન્દ્રેશ કુમારે એક મોટી અપીલ કરી હતી કે, રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર મુસ્લિમો પણ રામ-રામના જાપ કરે. હવે તેમની આ આપીલ પર પ્રતિક્રિયા આપતા મૌલાના સાજિદ રશીદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મુસ્લિમો શા માટે રામ-રામના જાપ કરે? અમે રામમાં આસ્થા નથી રાખતા. અમારા માટે રામ ભગવાન નથી. રામ એક મનુષ્ય હતા તમે તેમને ભગવાન માનો છો તો તમે જ રામ-રામના જાપ કરો.
ઈન્દ્રેશ કુમારે આરએસએસના મુસ્લિમ મંચ પરથી એ વાતની અપીલ કરી હતી કે, ૨૨ જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દરગાહમાં, મદરેસાઓની અંદર, મસ્જિદોમાં મુસ્લિમો પણ શ્રી રામ જય-જય રામના જાપ કરે. તેમણે કહ્યું કે ગુરુદ્વારાથી લઈને ચર્ચ સુધી જેટલા પ્રકારના ધર્મ છે તેઓ પોતાના ધાર્મિક સ્થળોને સજાવે અને ભારતમાં શાંતિ માટે પ્રાર્થના કરે.
ઈન્દ્રેશ કુમારે કાર્યક્રમમાં આગળ કહ્યું હતું કે, ભારતમાં ૯૯ ટકા મુસ્લિમો અને અન્ય બિન-હિંદુઓનો ભારત સાથે સબંધ છે. તેમનો સંબંધ ભવિષ્યમાં પણ બની રહેશે. કારણ કે આપણા પૂર્વજો એક જ હતા. તેમણે પોતાનો ધર્મ બદલ્યો દેશ નહીં. આરએસએસ નેતાએ ઈસ્લામ, ખ્રિસ્તી, શીખ ધર્મ અથવા કોઈ પણ ધર્મનું પાલન કરી રહેલા લોકોને શાંતિ, સદ્ભાવ અને ભાઈચારા માટે પોતપોતાના ધાર્મિક સ્થળોએ પ્રાર્થના કરીને અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જોડાવાની અપીલ કરી હતી.