અમલનો પડકાર

લોક્સભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક નિગમોની ચૂંટણીઓ દેશભરમાં એક સાથે કરાવવાની વ્યાવહારિક્તા પર કોવિંદ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સોંપવાની સાથે જ ૧૯૮૩માં પહેલી વાર ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો વિચાર સાકાર થવાથી બસ થોડાં ડગલાં દૂર રહી ગયો છે. અસલમાં દેશમાં દર વર્ષે કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સ્તરની કોઈને કોઈ ચૂંટણી થતી રહે છે, જેના માટે વારંવાર આચાર સંહિતા લાગુ થાય છે, વ્યવસ્થાઓ બનાવવી પડે છે, સરકારી ખર્ચ થાય છે અને વિકાસનાં કાર્યો પણ અટકી જાય છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર તેને જલદી લાગુ કરવાના પક્ષમાં છે. આ જ મતલબથી રચાયેલી કોવિંદ સમિતિની એ ભલામણ મહત્ત્વપૂર્ણ છે કે પહેલા ચરણમાં લોક્સભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવી શકાય છે અને ત્યારબાદ બીજા ચરણમાં ૧૦૦ દિવસની અંદર સ્થાનિક નિગમોની પણ ચૂંટણી કરાવી શકાય છે, પરંતુ એના પર અમલ કરવો એ પણ કોઈ પડકારથી ઓછું નથી. જોકે આશ્ર્ચર્ય કે લગભગ ૧૮ હજાર પાનાંનો રિપોર્ટ વાંચ્યા વિના જ કેટલાય વિરોધ પક્ષો તેના વિરોધમાં ઉતરી પડ્યા છે. આ દરેક સુધાર વિરુદ્ઘ આંખો મીંચીને ઊભા થઈ જવાની આદતનું જ ઉદાહરણ છે. એક સાથે ચૂંટણીના વિરોધમાં વિપક્ષના જે તર્ક છે તે ચવાઈ ગયેલા છે. તેમણે કમ સે કમ એવા તર્ક આપવા જોઇએ જેના પર કોઈ યાન આપે. એની સાથે જ તેમણે એક દેશ-એક ચૂંટણીથી થનારા ફાયદા પર પણ ધ્યાન આપવું જોઇએ. જોકે ચૂંટાયેલી સરકારોના કાર્યકાળોના સમય સમીકરણને સાધવા માટે સમિતિએ વિધાનસભાઓના કાર્યકાળ ઘટાડવા-વધારવાની વાત કરી છે, પરંતુ એક સાથે ચૂંટણીઓ કરાવવા માટે જરૂરી ઉપકરણો, લોકો અને સુરક્ષા દળોની વ્યવસ્થાઓની અગ્રીમ તૈયારી કરવી પડશે, જે આસાન નથી. જોકે ૧૯૫૧થી ૧૯૬૭ સુધી દેશમાં લોક્સભા અને રાજ્યસભાઓની ચૂંટણીઓ એક સાથે જ થઈ હતી. ૧૯૬૮ અને ૧૯૬૯માં કેટલીક વિધાનસભાઓ સમય પહેલાં ભંગ થઈ જવાથી આ ક્રમ તૂટી ગયો હતો, પરંતુ એવું કોઈ કારણ નથી કે તેને ફરી શરૂ ન કરી શકાય. અસલમાં એક વિચાર તરીકે એક રાષ્ટ્ર, એક ચૂંટણી એક આદર્શ સ્થાપિત કરે છે, જેનાથી નીતિઓમાં દીર્ઘકાલીન નિયોજન કરતાં બહેતર નિરંતરતા સ્થાપિત કરી શકાશે. જોકે, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્ય તેને અવ્યાવહારિક, અલોક્તાંત્રિક અને સંઘીય માળખાથી પ્રતિકૂળ ગણાવી રહ્યા છે, સાથે જ ઈવીએમ મશીનો પર થનારા તાત્કાલિક ખર્ચાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ ચૂંટણીઓમાં ઉમેદવાર જે ભારે ભરખમ રકમ ખર્ચ કરે છે, તેની તુલનામાં આ તો કશું જ નથી. માત્ર ૧૯૧ દિવસની અંદર કોવિંદ સમિતિ દ્વારા લગભગ ૧૮ હજાર પેજનો રિપોર્ટ તૈયાર કરવો, સરકારની આ મુદ્દાને લઈને પ્રતિબદ્ઘતાને જ દર્શાવે છે. આશા છે કે આ ભલામણોનો સમ્યક અમલ પણ વ્યાવહારિક રૂપે સફળ થશે. શું એ સમયની માંગ નથી કે તમામ ચૂંટણીઓ માટે એક જ મતદાર યાદી હોય? એ યોગ્ય રહેશે કે કોવિંદ સમિતિના રિપોર્ટને નકારનારા પક્ષો નીર-ક્ષીર રીતે વિચાર કરે અને એ પણ જુએ કે ૩૨ પક્ષો એક સાથે ચૂંટણી કરાવવાના પક્ષમાં છે.