જયપુર,અલવર શહેરના કાલીમોરી ફાટક પાસે વંદે ભારત એક્સપ્રેસ સાથે એક ગાય અથડાઈ હતી. ટ્રેનની ટક્કરને કારણે ગાય ઉછળીને લગભગ ૩૦ મીટર દૂર એક વૃદ્ધ પર પડતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બનાવની જાણ થતાં રેલવે પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ વૃદ્ધને બચાવી શકાયા નહીત. ત્યારબાદ અરાવલી વિહાર પોલીસે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને ત્યારબાદ મૃતદેહને પરિવારના સોંપવામાં આવ્યો હતો. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
અરવલ્લી વિહાર પોલીસ સ્ટેશનના અધિકારી ઝહીર અબ્બાસે જણાવ્યું કે, દિલ્હીથી અજમેર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મંગળવારે રાતે લગભગ ૮ વાગ્યે કાલીમોરી ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક ગાય ટ્રેક પર આવી અને ટ્રેન સાથે અથડાઈ. ટ્રેનની ટક્કરને કારણે ગાય ઉછળીને લગભગ ૩૦ મીટર દૂર પડી ગઈ હતી.
આ દરમિયાન ત્યાં શૌચ કરવા આવેલા હીરાબાસ-કાલીમોરીમાં રહેતા ૮૩ વર્ષીય શિવદયાલ શર્મા પણ ગાયની ઝપેટમાં આવી ગયા હતા. અકસ્માતમાં વૃદ્ધ શિવદયાલ શર્મા અને ગાય બંનેના મોત થયા હતા.મૃતક શિવદયાલ શર્મા નિવૃત રેલવે કર્મચારી હતા.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે, ત્યારથી ટ્રેનને અનેક અકસ્માતો નડી ચૂક્યા છે. ઓક્ટોબર ૨૦૨૨માં ગુજરાતના વલસાડ ખાતે અતુલ રેલવે સ્ટેશન પર ગાય સામે આવી જતાં ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ફુલ સ્પીડમાં આવી રહેલી ટ્રેનની સામે અચાનક ગાય આવતા ભીષણ ટક્કરને કારણે ટ્રેનનો આગળના ભાગને નુક્સાન થયું હતું.