હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં થિયેટર-માલિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. અલ્લુ અર્જુને 11 ડિસેમ્બરે હાઇકોર્ટમાં પોતાના વિરુદ્ધ થયેલા કેસને રદ કરવા માટે અરજી કરી હતી.
અલ્લુ અર્જુન 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડી પર
અલ્લુ અર્જુનને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં પર મોકલવામાં આવ્યો. હવે તેને ચંચલગુડા જેલમાં મોકલવામાં આવશે. તેલંગાણા હાઈકોર્ટના જજ જુવ્વાદી શ્રીદેવીની કોર્ટમાં અલ્લુ અર્જુન કેસની સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટે સવાલ પૂછ્યો કે, કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? આ અંગે સરકારી વકીલે રિમાન્ડ રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે બે દિવસ પહેલા કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
થિયેટરે ‘પુષ્પા 2’ના પ્રીમિયર શો માટે સિક્યોરિટીની માગ કરી હતી
થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો છે કે એક્ટરના આગમનના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. થિયેટર મેનેજમેન્ટનું કહેવું છે કે ‘પુષ્પા 2’ના પ્રમોશન દરમિયાન પોલીસને અલ્લુ અર્જુનના આગમન અંગે લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં પોલીસે આ મામલે કોઈ નક્કર પગલાં લીધાં નથી.
તેલંગાણાના સીએમનું નિવેદન
અલ્લુ અર્જુનની ધરપકડ પર રિએક્શન આપતા, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું, ‘આ કેસમાં સરકારની કોઈ ભૂમિકા નથી, કાયદો કાયદાનું કામ કરે છે’
અલ્લુ અર્જુને ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી
સૂત્રોના મતે, અલ્લુ અર્જુને ધરપકડ અંગે નારાજગી વ્યક્ત કરી છે. અલ્લુએ કહ્યું હતું કે પોલીસે નાસ્તો પણ કરવા દીધો નહીં અને બેડરૂમમાંથી ધરપકડ કરી. ત્યાં સુધી કે પોલીસે કપડાં બદલવાની તક આપી નહીં. હૈદરાબાદ નાસભાગના સાક્ષીની સામે પોલીસે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અલ્લુ અર્જુનનું નિવેદન નોંધ્યું. સેન્ટ્રલ ઝોનના DCPએ અલ્લુનું નિવેદન નોંધ્યું.