અલગતાવાદી નેતા શબ્બીર અહેમદ શાહની પુત્રી સમા શબ્બીરે તેમની સાથે સંબંધો તોડી નાખ્યા

શ્રીનગર, કાશ્મીર હવે બદલાઈ રહ્યું છે. અલગતાવાદી નેતા શબ્બીર અહેમદ શાહની પુત્રી સમા શબ્બીરે તેમની સાથે સંબંધો તોડી નાખ્યા છે. પુત્રી સમા શબ્બીરે તેના પિતાની ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી સાથેના સંબંધો તોડી નાખ્યા અને કહ્યું કે હું ભારતની સાથે છું. આ અંગેની જાહેરાત કરતા સમા શબ્બીરે અખબારમાં એક જાહેરાત પણ આપી છે. હાલ શબ્બીર અહેમદ શાહ તિહાર જેલમાં બંધ છે. તેની સામે મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગના કેસ ચાલી રહ્યા છે. ૨૩ વર્ષની સમા શબ્બીરે કાશ્મીરમાં સીબીએસઇ બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યું હતું. જાહેરાતમાં તેણે પોતાને એક વફાદાર અને ગૌરવપૂર્ણ ભારતીય નાગરિક ગણાવ્યો છે.

સમા શબ્બીરે લખ્યું છે કે, ‘હું ભારતની વફાદાર અને ગૌરવપૂર્ણ નાગરિક છું. હું એવી કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે નથી જે ભારતના સાર્વભૌમત્વની વિરુદ્ધ હોય. સમા શબ્બીર શબ્બીર અહેમદ શાહની મોટી પુત્રી છે, જેઓ ટેરર ફંડિંગ કેસનો સામનો કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે હું ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી કે તેની વિચારધારા સાથે કોઈપણ રીતે જોડાયેલ નથી. આટલું જ નહીં, તેણીએ કહ્યું કે જો કોઈ મને આ સંસ્થા સાથે જોડશે અથવા મારું નામ જોડશે તો હું તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરીશ.શબ્બીર અહેમદ શાહની ૨૦૧૭માં મની લોન્ડરિંગ કેસમાં ઈડ્ઢ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે તેણે મની લોન્ડરિંગ દ્વારા આતંકવાદ ફેલાવવા માટે પૈસા આપ્યા હતા. બાદમાં એનઆઇએએ પણ તપાસ કરી અને ૭૦ વર્ષના શબ્બીર અહેમદ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી.

વાસ્તવમાં મોહમ્મદ અસલમ વાનીની દિલ્હી પોલીસના સ્પેશિયલ દ્વારા ૨૦૦૫માં ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી મોટી રકમ રોકડ મળી આવી હતી. તે હવાલાનો વેપારી હતો. તેની પૂછપરછ કર્યા બાદ જ એજન્સીઓએ શબ્બીર અહેમદને પકડી લીધો હતો. વાસ્તવમાં, ઈડ્ઢએ ૨૦૧૯માં આ કેસમાં સમા શબ્બીરને પણ સમન્સ જારી કર્યું હતું, પરંતુ તે હાજર થઈ ન હતી. તે દરમિયાન સમા શબ્બીર યુનાઇટેડ કિંગડમમાં હતો.