મુંબઇ, ટ્વિકંલ ખન્ના અને અક્ષય કુમાર પોતાના બાળકોને મીડિયાથી દૂર રાખે છે. જો કે તેઓ અવાર-નવાર તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. હવે તાજેતરમાં અભિનેત્રીએ તેની પુત્રી સાથે થયેલા અકસ્માતનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે થોડાં સમય પહેલા તેની પુત્રી નિતારાને તેના પાલતુ કૂતરાએ બટકા ભર્યા હતા. આ સમાચાર પછી ફેન્સ થોડાં ટેન્શનમાં આવી ગયા છે, પરંતુ તમને જણાવી દઈએ કે હવે ગભરાવાની કોઈ વાત નથી. હવે બધું બરાબર થઈ ગયું છે.
ટ્વિકંલ ખન્નાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં તેની તાજેતરની કોલમમાં આનો ઉલ્લેખ કર્યો હતો અને તેણે લખ્યું હતું કે, ક્રિસમસની રજાઓ દરમિયાન તેની પુત્રી નિતારાને તેનો પાલતુ કૂતરો તેના બંને હાથ પર કરડ્યો હતો. અભિનેત્રીએ આ કોલમમાં તેના પિતરાઈ ભાઈના પાલતુ કૂતરા ફ્રેડી અને તેની પુત્રીના તેના પ્રત્યેના જોડાણ વિશે વિગતવાર વાત કરી હતી.
ફ્રેડીના કરડ્યા પછી નિતારાની પ્રતિક્રિયા યાદ કરતાં ટ્વિકંલે લખ્યું છે કે, ‘હડકવાના ત્રણ ઈન્જેક્શન અને બાદમાં ટિટનેસનું એક ઈન્જેક્શન હોવા છતાં, તેને કોઈ અફસોસ નથી. નિતારા તેને અકસ્માત કહે છે. તેણે કહ્યું કે, ફ્રેડીનો અર્થ મને કરડવાનો ન હતો અને જ્યાં સુધી ફ્રેડી ઠીક છે, તો કોઈ ફર્ક નથી પડતો.