
મુંબઇ,
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલ પોતાની ફિલ્મ ’સેલ્ફી’ને લઈને ચર્ચામાં છે. વળી, આ દરમિયન તેમણે એક મોટો નિર્ણય પણ કર્યો છે. અક્ષય કુમારે કેનેડાની નાગરિક્તા છોડી દીધી છે. તેણે લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં વાત કરતાં આ જાણકારી આપી હતી. અક્ષયે કહ્યુ કે ભારત તેના માટે બધું જ છે. તેણે ઈન્ટરવ્યુમાં તે તમામ લોકોને જવાબ આપ્યો, જેણે કેનેડાની નાગરિક્તાને લઈને અક્ષય કુમારને ટ્રોલ કર્યો હતો. અક્ષય કુમારે જણાવ્યુ કે તેણે વર્ષો પહેલા કેનેડાની નાગરિક્તા કેમ લીધી હતી.
હકીક્તમાં, અક્ષય કુનાર હાલ પોતાની ફિલ્મ ’સેલ્ફી’ના પ્રમોશનને લઈને ઈન્ટરવ્યુ આપી રહ્યો છે. એવા જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષય કુમારે કેનેડાની નાગરિક્તા પર ઉઠતા સવાલના જવાબ આપ્યો હતો. તેણે ઈન્ડિયા ટૂડેમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે, ’મને ખૂબ જ ખરાબ લાગે છે જ્યારે લોકો મારી નાગરિક્તા પર સવાલ ઉઠાવે છે અને કોઈ સંપૂર્ણ વાત જાણ્યા વિના મારા વિશે કંઈપણ બોલે છે.’ તેણે જણાવ્યુ કે, ૧૯૯૦માં જ્યારે કરિયરમાં ફ્લોપ ફિલ્મોના કારણે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે કેનેડા જવાનો નિર્ણય લીધો હતો.
અક્ષયે કહ્યુ, ’ફ્લોપ ફિલ્મોના કારણે હું પરેશાન હતો. મારે કામ કરવું હતું અને પરેશાન હાલતમાં મારા કેનેડમાં રહેલા એક ખાસ મિત્ર પાસે ગયો. તેણે મને કેનેડા આવી જવાની સલાહ આપી હતી. મેં તે સમયે કેનેડાની નાગરિક્તા માટે આવેદન આપ્યુ અને મને નાગરિક્તા મળી ગઈ.’ અક્ષય કહે છે કે, ’સતત ફ્લોપ ફિલ્મો બાદ મને સારી ફિલ્મો મળી અને આ ફિલ્મ સુપરહિટ પણ થઈ. મારા તે જ મિત્રએ મને પાછો મોકલ્યો અને કહ્યુ કે ફરી કામ શરુ કરો. હું કરિયરમાં વ્યસ્ત થઈ ગયો અને ભૂલી ગયો કે મારો પાસપોર્ટ ક્યાં છે. મેં આ વિશે લાંબા સમય સુધી કંઈ વિચાર્યુ નહતું પરંતુ હવે મેં બદલાવવા માટે આપી દીધો છે.’