લખનૌ, ૧૩ મેના રોજ યોજાનારી ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે નોમિનેશનનો છેલ્લો દિવસ છે. સપાના રાષ્ટ્રીય અયક્ષ અખિલેશ યાદવે આજે બપોરે ૧૨ વાગ્યે કન્નૌજ સંસદીય બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. તેણે ચાર સેટમાં પોતાનો પત્ર દાખલ કર્યો છે. આ સમય દરમિયાન પ્રો. રામ ગોપાલ યાદવ, સપા જિલ્લા અધ્યક્ષ કલિમ ખાન, પૂર્વ ધારાસભ્ય કલ્યાણ સિંહ દોહરા અને પાર્ટીના રાજ્ય સચિવ આકાશ શાક્ય પ્રસ્તાવક તરીકે હાજર રહ્યાં હતાં. તેમના નામાંકનને લઈને પાર્ટી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે કન્નૌજ લોક્સભા ચૂંટણી માટે સપાના ઉમેદવારને લઈને સર્જાયેલું સસ્પેન્સ એક દિવસ પહેલા સુધી ચાલુ હતું. બુધવારે સાંજે નક્કી થયું કે અહીંથી સપાના ઉમેદવાર અખિલેશ યાદવ હશે. તેમની પહેલા અહીંથી તેજ પ્રતાપ યાદવને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. હકીક્તમાં, બે દિવસ પહેલા અખિલેશ યાદવના ભત્રીજા તેજ પ્રતાપ યાદવને કન્નૌજથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો, આ મામલો પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હતો. મંગળવાર સાંજથી જ એ નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું હતું કે હવે અખિલેશ યાદવ જ અહીંથી ચૂંટણી લડશે. બુધવારે સાંજે આની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ કલીમ ખાને જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસનો રિપોર્ટ પાર્ટી ચીફને મોકલી દેવામાં આવ્યો છે. આ જ આધાર પર હવે રાષ્ટ્રીય અયક્ષ અખિલેશ યાદવ પોતે ચૂંટણી લડશે. નોમિનેશન પહેલા પાર્ટી કાર્યાલયમાં સવારથી જ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.