અખિલેશ યાદવ કન્નૌજથી લોક્સભા ચૂંટણી લડી શકે છે ,આજે ઉમેદવારી કરશે

લખનૌ, સમાજવાદી પાર્ટી કન્નૌજ લોક્સભા સીટ પરથી પોતાનો ઉમેદવાર બદલી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના વડા અખિલેશ યાદવ પોતે કન્નૌજથી ચૂંટણી લડી શકે છે. તે આવતીકાલે અહીંથી ઉમેદવારી નોંધાવી શકે છે. આ પહેલા સમાજવાદી પાર્ટીએ લાલુ પ્રસાદ યાદવના જમાઈ પૂર્વ સાંસદ તેજ પ્રતાપ યાદવને કન્નૌજથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેજ પ્રતાપ અખિલેશ યાદવના પરિવારનો હિસ્સો છે. તેઓ મૈનપુરીથી સાંસદ રહી ચૂક્યા છે. ભાજપે ફરી એકવાર અહીંથી સુબ્રત પાઠકને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ અહીંથી વર્તમાન સાંસદ છે.

જ્યારે મુલાયમ સિંહ યાદવ મૈનપુરી અને આઝમગઢથી જીત્યા તો તેમણે મૈનપુરી સીટ છોડી દીધી. પેટાચૂંટણીમાં સપાએ તેજ પ્રતાપને પોતાના ઉમેદવાર બનાવ્યા અને તેઓ જીતીને સંસદમાં પહોંચ્યા. આ પછી સપાએ તેમને ક્યાંયથી ટિકિટ ન આપી.

આ પહેલા સમાજવાદી પાર્ટીએ લોક્સભા ચૂંટણી માટે બલિયા અને કન્નૌજ સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પૂર્વ સાંસદ તેજ પ્રતાપ યાદવને કન્નૌજથી અને સનાતન પાંડેને બલિયાથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવના પૌત્ર અને રાષ્ટ્રીય જનતા દળના સ્થાપક અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના જમાઈ તેજ પ્રતાપ યાદવ ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી મૈનપુરીથી સાંસદ રહી ચૂક્યા છે. લોક્સભા ચૂંટણી ૨૦૧૯ માં, ભારતીય જનતા પાર્ટીના સુબ્રત પાઠકે કન્નૌજ બેઠક પરથી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને હરાવ્યા. સપાએ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં બલિયાથી સનાતન પાંડેને પણ પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા પરંતુ તેમને ભાજપના વીરેન્દ્ર સિંહ મસ્તથી હારનો સામનો કરવો પડ્યો હતો.