અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા પોતાની વિવિધ 14 માંગણીઓના નિરાકરણ માટે દાહોદના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ જો આવનાર સમયમાં પોતાની માંગણીનું સત્વરે નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિન્ધ્યા માર્ગે જઈ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા દાહોદના મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, પોતાની વિવિધ 14 માંગણીઓ જેમાં સફાઈ કર્મચારીઓને ગ્રેજ્યુએટીના નાણાં ટુંક સમયમાં ચુકવવામાં આવે, ખાલી પડેલ જગ્યામાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે, પગાર સંબંધિત કાર્યવાહી ઝડપી કરવામાં આવે, લઘુત્તમ વેતન ચુકવવામાં આવે, 7માં પગાર પંચનો લાભ આપવામાં આવે, આકસ્મીક વિમો ચુકવવામાં આવે, સફાઈ કર્મચારીઓને ગણવેશ આપવામાં આવે, સફાઈ કર્મચારીઓને સફાઈમાં વપરાતા સાધનો પુરા પાડવામાં આવે, ઈપીએફ મામલે સત્વરે કાર્યવાહી કરવામાં આવે, દર મહિને નિયમીત પગાર ચુકવવામાં આવે, સફાઈ કર્મચારીઓને ક્વાટર્સ ફાળવવામાં આવે, સુખદેવ કાકા કોલોની પાછળ આવેલ ગટરો નવીન બનાવવામાં આવે અને સ્વ. સબુરભાઈ કડવાભાઈ પરમારની વિધવાને પેન્શન નીયમ મુજબ ચુકવવામાં આવે જેવી માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપી જો સત્વરે અને તાત્કાલિક ધોરણ ઉપરોક્ત સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો સફાઈ કર્મચારીઓ આવનાર દિવસોમાં અચોક્કસ મુદતની હડતાળ ઉપર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.