અકાલ તખ્તના જથેદારે અલગતાવાદી અમૃતપાલને આત્મસમર્પણ કરવાનું કહ્યું

ચંડીગઢ,અકાલ તખ્તના જથેદાર ગિયાની હરપ્રીત સિંહે ભાગેડુ કટ્ટરપંથી અમૃતપાલ સિંહને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા અને તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. અકાલ તખ્તના જથેદારે પોલીસની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આટલી મોટી ફોર્સ હોવા છતાં તેઓ અમૃતપાલને કેમ પકડી શક્યા નથી.

જથેદારે કહ્યું, જો અમૃતપાલ (પોલીસ કસ્ટડીમાંથી) બહાર હશે, તો હું તેને હાજર થવા અને (પોલીસ) તપાસમાં સહકાર આપવા કહીશ. સિંઘની ટિપ્પણી કટ્ટર અલગતાવાદી અમૃતપાલ અને તેના નેતૃત્વ હેઠળના સંગઠન ’વારિસ પંજાબ દે’ સામે રાજ્ય પોલીસના ક્રેકડાઉનને પગલે આવી છે. અમૃતપાલ ૧૮ માર્ચથી ફરાર છે.

પંજાબ સરકારે અમૃતપાલ અને તેના કેટલાક સહયોગીઓ સામે કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો છે. જથેદારે શનિવારે એક વીડિયો સંદેશમાં કહ્યું કે વિશ્ર્વભરમાં રહેતા દરેક શીખના મનમાં સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે રાજ્યમાં આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં અમૃતપાલની ધરપકડ કેવી રીતે થઈ શકી નથી.

તેમણે કહ્યું કે આનાથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થાય છે. સિંહે કહ્યું કે જો અમૃતપાલની ધરપકડ થઈ ચૂકી છે તો પોલીસને જાણ કરવી જોઈએ. જતેદાર સિંહે પંજાબની સ્થિતિ પર ચર્ચા કરવા માટે ૬૦ થી ૭૦ શીખ સંગઠનો, ધાર્મિક સંગઠનો અને નિહંગ સંગઠનોની વિશેષ બેઠક બોલાવી છે. બેઠકમાં રાજકીય સંગઠનોના કોઈ પ્રતિનિધિને બોલાવવામાં આવ્યા નથી.