અજમેરમાં પાયલટ અને ગહેલોતના સમર્થકો વચ્ચે ઝપાઝપી, પોલીસે અનેકની અટકાયત કરી

અજમેર, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને સત્તાધારી કોંગ્રેસમાં અંદરોઅંદરનો ઝઘડો ઓછો થઈ રહ્યો નથી. સ્થિતિ એવી છે કે હવે સચિન પાયલટ અને અશોક ગેહલોત બાદ હવે તેમના સમર્થકો પણ આમને સામને આવી ગયા છે. ત્યારે તાજેતરમાં કોઈ કારણો સર અજમેરમાં સચિન પાયલટ અને અશોક ગહેલોતના સમર્થકો વચ્ચે અથડામણ થઈ છે.

રાજસ્થાનના અજમેર જિલ્લામાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. બંનેના સમર્થકોએ એકબીજા પર લાકડીઓ અને સળિયા વડે હુમલો કર્યો હતો. બંને પક્ષો તરફથી ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના કારણે બંને પક્ષના ઘણા સમર્થકો ઘાયલ થયા હતા. આ દરમિયાન કોઈએ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં, જ્યારે પોલીસે સ્થળ પર સમર્થકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, તો તેઓ રાજી ન થયા અને પોલીસની સામે જ લડતા રહ્યા. હાલમાં પોલીસે અનેકની અટકાયત કરી છે.

આપને જણાવી દઈએ કે હાલમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે અજમેરથી જયપુર સુધી પાંચ દિવસીય ‘જન સંઘર્ષ યાત્રા’ કાઢી હતી, જેમાં તેઓ મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે જોરદાર અવાજ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અશોક ગેહલોત સરકારે વસુંધરા રાજેની સરકારમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવી જોઈએ, પરંતુ હવે સરકાર તપાસનો આદેશ આપી રહી નથી.

જણાવી દઈએ કે રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની દુશ્મનાવટ કોંગ્રેસ માટે ભારે પડી શકે છે. સચિન પાયલોટ હવે ખુલ્લેઆમ અશોક ગેહલોત સામે આવ્યા છે. તે પોતાની જ સરકાર વિરૂદ્ધ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે પાર્ટી મુશ્કેલીમાં છે. કારણ કે સચિન રાજસ્થાન કોંગ્રેસના મજબૂત નેતા છે. ૨૦૧૮માં જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે સચિન પાયલટ પ્રદેશ અધ્યક્ષ હતા.

સચિન પાયલટના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી હતી, જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો. જોકે, મુખ્યમંત્રી પદ અશોક ગેહલોતના ખાતામાં ગયું, જેની પીડા સચિન પાયલટના મનમાં હજુ પણ છે. સરકારના નિર્ણયો અને અગાઉની વસુંધરા સરકારમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગને લઈને તેઓ અશોક ગેહલોતને વારંવાર ઘેરે છે.