અજિત પવારે એનસીપીની બેઠક બોલાવી: તમામ સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ પહોંચે; આવતીકાલે શરદ પવારની પણ બેઠક

  • એનસીપીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે પોતાની નવી પાર્ટી અને ટીમ બનાવી છે.

મુંબઈ : અજિત પવારે પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. અજિત પવારની પાર્ટીના કાર્યાલય ખાતે હોબાળો થયો હતો. સમર્થકોનું કહેવું છે કે પીડબ્લ્યુડી વિભાગે ઓફિસની ચાવી સોંપી નહોતી એટલે તાળું તોડીને દરવાજો ખોલવામાં આવ્યો છે. સોમવારે એનસીપીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ અજિતે પોતાની નવી પાર્ટી બનાવી છે. તેમણે આજે પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં શિવસેનાની જેમ એનસીપીના પણ બે ટુકડા થઈ ગયા છે. એનસીપીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે પોતાની નવી પાર્ટી અને ટીમ બનાવી છે. આજે તેમણે નવી ઓફિસનું ઉદઘાટન કર્યું છે. આ તરફ શરદ પવારની પણ આજે બપોરે બેઠક મળી હતી. શરદ પવારે સોમવારે રાત્રે વકીલો સાથે બેઠક કરી હતી. એનસીપી બળવાખોરોનો મુદ્દો કોર્ટમાં લઈ જઈ શકે છે.

અજિત પવારે સાંસદ સુનીલ તટકરેને પ્રદેશ અધ્યક્ષ અને અનિલ પાટીલને વ્હિપ બનાવ્યા છે. અજિત અને ૯ ધારાસભ્યોનાં શપથગ્રહણના બીજા દિવસે સોમવારે, એનસીપી ચીફ શરદ પવારે અજિત પવાર અને ૯ ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર રહેલા સાંસદ પ્રફુલ પટેલ અને શિવાજીરાવ ગર્જે, વિજય દેશમુખ અને નરેન્દ્ર રાણેને પણ પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ-કોંગ્રેસનેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતુંકે એનસીપી પાસે ૫૩ ધારાસભ્ય હતા, જો ૩૭થી વધુ ધારાસભ્યો અજિત પવારની સાથે જાય છે તો પક્ષપલટા કાયદાથી બચી શકે છે. જો એ ૩૫ કરતાં ઓછા હોય તો સસ્પેન્શન નિશ્ર્ચિત છે. શિવસેનાના સમયમાં જે થયું એ થશે, પણ આવતીકાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે.

અજિત પવાર અને અન્ય ૮ ધારાસભ્યના બળવા બાદ એનસીપીએ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર અને ચૂંટણીપંચને તમામ બળવાખોરોને ગેરલાયક ઠેરવવા પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીની કમાન શરદ પવાર પાસે છે. પવારે ૧૯૯૯માં પાર્ટીની સ્થાપના કરી હતી. અજિતના પક્ષ પરના દાવા સંબંધિત કોઈપણ અપીલ પર કાર્યવાહી કરતાં પહેલાં તેમનો પક્ષ પણ સાંભળો. શરદ પવાર સોમવારે તેમના સમર્થક ધારાસભ્યોને પણ મળ્યા હતા.

નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા પછી અજિતે કહ્યું હતું કે તેમની સાથે પાર્ટીના ૫૩માંથી ૪૦ ધારાસભ્યો હતા. તે એક તૃતીયાંશ કરતાં વધુ છે. તેમણે એનસીપી છોડીને શિવસેના-ભાજપ સાથે હાથ મિલાવ્યા નથી, પરંતુ એનસીપી તરીકે જ આ પગલું ભર્યું છે. અમે આ અંગે તમામ વરિષ્ઠ નેતાઓને પણ જાણ કરી છે. તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં બહુમતીને મહત્ત્વ આપવામાં આવે છે. અમારી પાર્ટી ૨૪ વર્ષ જૂની છે અને યુવા નેતૃત્વ આગળ આવવું જોઈએ.