
મુંબઈ, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને અન્ય ૮ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે અજિત પવાર જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના ચુકાદાની ઘોષણા કરતા કહ્યું કે અજિત પવાર જૂથ ’અસલ એનસીપી’ છે. જણાવી દઈએ કે શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (શરદચંદ્ર પવાર) એ પોતાની અરજીમાં અજિત પવાર સહિત ૯ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે બંને જૂથો દાવો કરી રહ્યા છે કે તેઓ વાસ્તવિક એનસીપી છે. નાર્વેકરે કહ્યું, ’આટકલ ૨૧ મુજબ પાર્ટીની વર્કિંગ કમિટીમાં ૨૧ સભ્યો હોય છે. અજિત પવાર જૂથે ૩૦ જૂને રાષ્ટ્રીય અધ્યક્ષ ની ચૂંટણી યોજી હતી અને તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. અજિત પવારને ૪૧ ધારાસભ્યોનું સમર્થન છે. અજિત પવારના જૂથને ધારાસભ્ય પક્ષનું સમર્થન છે, તેથી અજિત પવારનું જૂથ વાસ્તવિક એનસીપી છે.
તમને જણાવી દઈએ કે વરિષ્ઠ નેતા શરદ પવારે અગાઉ રવિવારે કહ્યું હતું કે અજિત પવારના નેતૃત્વવાળા જૂથને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવવાનો ચૂંટણી પંચનો નિર્ણય ’આશ્ર્ચર્યજનક’ છે. બાદમાં ચૂંટણી પંચે શરદ પવારની આગેવાની હેઠળના જૂથને ’રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)’ નામ આપ્યું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની પાર્ટીને વાસ્તવિક એનસીપી તરીકે માન્યતા આપવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતાં શરદ પવારે પણ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.