અજિત પવાર કેસમાં ઢીલાશ માટે સ્પીકરને સુપ્રીમ કોર્ટની નોટિસ

મુંબઈ :   નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર સાથે ગયેલા વિધાનસભ્યો સામે અપાત્રતાની અરજી પર નિર્ણય લેવામાં વિધાનસભાના સ્પીકર વિલંબ કરી રહ્યા હોવાની  એનસીપી અધ્યક્ષ શરદ પવાર જૂથના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે વિધાનસભા સચિવાલયને નોટિસ મોકલાવી છે.

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ, ન્યા. પારડીવાલા અને ન્યા. મિશ્રાએ અરજી પર સુનાવણી ૧૩ ઓક્ટોબરે રાખી છે. કોર્ટે ૧૩ ઓક્ટોબર પર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે કરેલી આવા જ પ્રકારની અરજી પરની સુનાવણી પણ રાખી છે. આ અરજીમાં પણ હાલના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો સામે અપાત્રતાની અરજી પર નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે અમે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની અરજી અને એનસીપીની અરજી સાથે લિસ્ટ કરીશું. 

અજીત પવાર જૂથ વતી વરિષ્ઠ વકિલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે બંને કેસ જુદા છે. આ અરજી સપ્ટેમ્બરમાં જ અપાત્ર ઠેરવવા માટે કરાયેલી અરજી માટે છે અને તેઓ તરત જ કોર્ટમાં આવ્યા છે.પાટિલ વતી કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે અરજી  જુલાઈમાં કરાઈ છે અને હજી સ્પીકરે નોટિસ પણ આપી નથી. 

અજિત પવારે બે મહિના પૂર્વે સત્તામાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો. તેમને એનસીપીના બહુતાંશ ધારાસભ્યોનો ટેકો હતો. અજિત પવારે લીધેલો નિર્ણય પક્ષ વિરોધી છે. તેમ જ તેમને ટેકો આપનારા ધારાસભ્યો પર અપાત્રતાની કાર્યવાહી કરવામાં આવે એવી માગણ કરતી અરજી જયંત પાટીલે વિધાનસભા અધ્યક્ષ પાસે કરી હતી.

જયંત પાટિલની આ અરજી પર બે મહિના થયા છતાં સ્પીકર રાહુલ નાર્વેકરે કાર્યવાહી કરી નથી. આથી પાટીલે અજિત પવાર સાથે ગયેલા ધારાસભ્યો પર કાર્યવાહી કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. હવે આના પર સોમવારે સુનાવણી થશે. શિવસેનાની જેમ હવે એનસીપીમાં કાનૂની પેચ નિર્માણ થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે ૧૮ સપ્ટેમ્બરે ઠાકરેની શિવસેનાએ શિંદે અને અન્ય ધારાસભ્યો સામે કરેલી અરજી પર ફાસ્ટ્રેક સુનાવણી કરી હતી અને અકે સપ્તાહમાં અપાત્રતાની અરજી પરની સુનાવણીનું સમયપત્રક નક્કી કરવા જણાવ્યું હતું.