અજિત પવાર કે અંબાદાસ દાનવેને દેશદ્રોહી કહ્યા નથી: એકનાથ શિંદેનો ખુલાસો

મુંબઈ,

દેશદ્રોહીને દેશદ્રોહી કહેવું ગુનો હોય તો આ ગુનો હું ૫૦ વખત કરીશ એવો હુંકાર કરતાં ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેેએ વિપક્ષ અંગે કરવામાં આવેલી ટિપ્પણી પાછી ખેંચી લેવાનો નનૈયો ભણ્યો હતો. તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે એનસીપીના નેતા નવાબ મલિક માટે દેશદ્રોહી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ગયા વર્ષે મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ થયા પછી તેમની સામે જે ગુના નોંધવામાં આવ્યા છે તેમાંથી સ્પષ્ટ થાય છે કે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ જેવા દેશદ્રોહી કૃત્ય કરનારા દાઉદ ઈબ્રાહિમની બહેનની સાથે આર્થિક વ્યવહાર કરનારા નવાબ મલિક દેશદ્રોહી જ છે.

તેમણે પોતાના શબ્દોની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે મેં એમ કહ્યું હતું કે વિપક્ષ દ્વારા ચ્હા-પાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી તેનો જવાબ આપતાં મેં કહ્યું હતું કે દેશદ્રોહીની સાથે બેસીને શાસન કરનારા લોકોની સાથે ચ્હા-પાન કરવાનું ટળ્યું. આમાં ક્યાંય અજિત પવાર કે અંબાદાસ દાનવેને દેશદ્રોહી કહ્યા નથી. ચ્હા-પાનનો કાર્યક્રમ તો સરકારી હતો અને વિપક્ષે મહારાષ્ટ્રદ્રોહી કોને કહ્યું? સરકારને? આ બાબત કેવી રીતે સહન કરી શકાય? એવો સવાલ તેમણે કર્યો હતો.