અજીતની એનસીપીમાં નાસભાગ,’દરવાજા ખુલ્લા છે’,પણ એક શરત,શરદ પવારના સંકેત

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ થઈ શકે છે. એવા અહેવાલો છે કે NCP અજિત પવાર કેમ્પના ધારાસભ્યો શરદ પવારની સાથે પાછા જઈ શકે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે પોતે મંગળવારે આ સંકેત આપ્યો હતો. તેમણે સંકેત આપ્યો કે, તેમની પાર્ટીના દરવાજા એવા ધારાસભ્યો માટે ખુલ્લા છે, જેમણે અજિત પવારને ટેકો આપ્યો હતો અને તેના કારણે પાર્ટીમાં ભાગલા પડ્યા હતા. જો કે, તેમણે કહ્યું કે, તેઓ આવા ધારાસભ્યોને પાર્ટીમાં પાછા લાવતા પહેલા તેમના સાથીઓની સલાહ લેશે.

સૂત્રોના અહેવાલ મુજબ, તેમણે સ્પષ્ટતા કરી, ’જ્યાં પણ (તે ધારાસભ્યોનો) સમાવેશ કરવાથી પાર્ટીને મદદ મળશે અને કાર્યકરોનું મનોબળ વધશે, તેમને સામેલ કરવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ જેઓ પાર્ટીમાં રહીને પાર્ટીને નબળી પાડવા અને પક્ષના હિતોને નુક્સાન પહોંચાડવાનું કામ કર્યું છે, તેમણે પાછા લેવામાં નહીં આવે, કારણ કે પક્ષના કાર્યકરોની ભાવનાઓનું સન્માન કરવું પડશે.’

અજિત પવારના કાકાએ વધુમાં કહ્યું, ’આને હળવાશથી ન લઈ શકાય. અમારા તમામ સાથીઓને વિશ્વાસમાં લેવામાં આવશે. તેમના સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે અને તેનું સન્માન કરવામાં આવશે. ત્યાર પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.’ પૂર્વ કેન્દ્રીય મંત્રી સૂર્યકાંત પાટીલ નાંદેડથી એનસીપી એસપીમાં પરત ફર્યા પછી આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પવાર બોલી રહ્યા હતા.એનસીપી એસપીના વડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે, અજિત પવારની આગેવાની હેઠળના એનસીપીના ૧૮-૧૯ ધારાસભ્યો શરદ પવારની છાવણીમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની સાથે જોડાશે.

તાજેતરમાં યોજાયેલી લોક્સભા ચૂંટણીમાં શરદ પવારની પાર્ટીએ વિભાજન છતાં ૧૦માંથી ૮ બેઠકો જીતી હતી. તેનાથી વિપરિત, અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી ચારમાંથી માત્ર એક જ બેઠક જીતી શકી હતી. ગયા અઠવાડિયે, એનસીપી એસપી મહારાષ્ટ્રના વડા જયંત પાટિલે કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી અજિત પવારના ધારાસભ્યો આવતા મહિને રાજ્યના બજેટ પછી એનસીપી એસપીમાં પાછા ફરવાનું શરૂ કરશે.