અજિત દાદા કૌંભાડી, એક દિવસ તો થશે ધરપકડ : શાલિની તાઇ પાટીલનું સ્ફોટક નિવેદન

મુંબઇ,શરદ પવારે નિવૃત્તિનો નિર્ણય ખૂબ ઉતાવળે લીધો છે એવો મત માજી વિધાનસભ્ય શાલિની તાઇ પાટીલે માંડ્યો છે. શરદ પવાર મારા કરતાં દસ વર્ષ નાના છે, હું હજી પણ મારું રાજકીય કામકાજ કરી રહી છું. એટલે જ કહું છું કે પવારે આટલાં જલ્દી નિવૃત્તિ નહતી લેવી જોઇતી. એમ શાલિની પાટીલે કહ્યું હતું. અજીત પવાર કૌંભાડી છે, ગુનામાં ફંસાયેલા નેતા છે, એમની એક દિવસ તો ધરપકડ થશે તેથી તેમને અધ્યક્ષ પદ આપવું યોગ્ય નથી. આવું સ્ફોટક નિવેદન શાલિની તાઇ પાટીલે કર્યુ હતું. અજિત દાદાની પાછળ ભાજપના મોટા નેતાનો હાથ છે. એટલે જ હજી સુધી ઇડી દ્વારા તેમની કોઇ પૂછપરછ થઇ નથી. એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

જો રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં અધ્યક્ષ  ની નિમણૂંક કરવાની હશે તો સુપ્રિયા સૂળેને અધ્યક્ષ બનાવવા જોઇએ. કારણ કે તે અધ્યક્ષ  ના પદ માટે સક્ષમ છે. અજિત પવાર કૌંભાડી અને ગુનામાં ફંસાયેલા નેતા છે તેથી તેમને અધ્યક્ષ બનાવવા એ ખોટો નિર્ણય હશે. એમ કહી શાલિની પાટીલે અજિત પવાર પર નિશાનો સાધ્યો હતો.

વિધાનસભ્ય હસન મુશ્રીફને ૧૦૦ કરોડના મની લોન્ડ્રીગ કેસમાં ઇડી પૂછપરછ માટે બોલાવે છે. તો પછી અજિત પવારની ૧૪૦૦ કરોડના મની લોન્ડ્રીગ કેસમાં પૂછપરછ કેમ થતી નથી? અજિત પવાર પર ભાજપના એક મોટા નેતાનો હાથ છે. તેથી જ તેમને છાયડો મળી રહ્યો છે. અને કોઇ પણ પ્રકારની તપાસ માટે તેમને બોલાવવામાં આવતાં નથી. અજિત પવારની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે એમના પર એટલાં ગુના અને આક્ષેપો છે. એમ પણ શાલિની તાઇ પવારે કહ્યું હતું.

તે વધુમાં બોલ્યા કે, પવારે રાષ્ટ્રવાદીના તમામ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવો જોઇતો હતો. પવારે ભલે નિર્ણય લઇ લીધો હોય પણ જ્યાં સુધી સમિતી માન્ય નહીં કરે ત્યાં સુધી તેમનો નિર્ણય પણ માનવામાં નહીં આવે. મારી ઉંમર હાલમાં ૯૦ વર્ષની છે અને પવાર મારા કરતાં દસ વર્ષ નાના છે. હું હજી પણ મારા રાજકીય કાર્યો કરી રહી છું. ત્યારે એમણે આટલી ઉતાવળે નિવૃતિ લેવી જોઇતી નહતી.