અજય દેવગનની સુપરહિટ ફિલ્મ સિંઘમમાં કામ કરી ચૂકેલા અભિનેતાનું થયું નિધન, ઇન્ડસ્ટ્રીમાં છવાયો શોકનો માહોલ

મુંબઇ,મનોરંજન જગતમાંથી એક પછી એક દુ:ખદ ખબરો સામે આવી રહી છે. જેમાં છેલ્લા થોડા જ સમયમાં કેટલાક અભિનેતા અને તેમના કેટલાક પરિવારજનોના નિધનની ખબર સામે આવી છે, જેને ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છવાઈ દીધો છે. ત્યારે હાલ વધુ એક ખબરે ચાહકોને ધ્રાસ્કો આપ્યો છે. મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા જયંત સાવરકરનું ૨૪ જુલાઈના રોજ અવસાન થયું.તેમણે ૮૮ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા. તેમના દીકરા કૌસ્તુભ સાવરકરે જણાવ્યું કે તેઓ વય સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. તેમણે સોમવારે સવારે હોસ્પિટલમાં દુનિયાને અલવિદા કહ્યું.

કૌસ્તુભે કહ્યું, ’લગભગ ૧૦-૧૫ દિવસ પહેલા લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને સવારે ૧૧ વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું હતું. તેમના નિધન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું, ’મરાઠી નાટકો, ટીવી શો, ફિલ્મો અને ઓટીટી જેવા તમામ માધ્યમો દ્વારા પોતાના સશક્ત અભિનયથી ચાહકોના દિલો પર રાજ કરનારા પીઢ અભિનેતા જયંત સાવરકરના નિધનથી દુ:ખી છું.

જયંત સાવરકરના નિધનથી મરાઠી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. જયંત સાવરકરે પોતાના શાનદાર અભિનયથી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું. તેમણે મરાઠીની સાથે ઘણી હિન્દી ફિલ્મો પણ કરી. સ્ક્રીન પર, તે સસરા અને પિતાની ભૂમિકા માટે જાણીતા હતા. તેમના ઘણા પાત્રો લોકપ્રિય પણ થયા છે. જયંત સાવરકરે ’સિંઘમ’ ઉપરાંત ’યુગપુરુષ’, ’વાસ્તવ’ જેવી ફિલ્મો પણ કરી છે. લગભગ છ દાયકાની કારકિર્દીમાં, તેમણે ફિલ્મો સિવાય થિયેટર અને ટેલિવિઝનમાં કામ કર્યું છે.

સાવરકર ’હરિ ઓમ વિઠ્ઠલા’, ’ગદબદ ગોંધલ’, ’૬૬ સદાશિવ’ અને ’બકાલ’ જેવી મરાઠી ફિલ્મોમાં દેખાયા છે. જયંત સાવરકર તેમની પાછળ પત્ની, બે પુત્રી અને એક પુત્ર છોડી ગયા છે. મંગળવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જયંત સાવરકર મરાઠી સિનેમાના જાણીતા કલાકાર હતા. અભિનેતાના સન્માનમાં મહારાષ્ટ્ર સરકારે પણ તેમને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. સાવરકરને મહારાષ્ટ્ર સરકાર દ્વારા નટવર્ય પ્રભાકર પાનશીકર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.