અમરેલીમાં અજાણ્યા વાહને પિતાપુત્રને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અમરેલી જિલ્લાના જાફરાબાદના લોઠપુર ગામ ખાતે આ અકસ્માત થયો હતો. બાઇક પર જતાં પિતા-પુત્રને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. તેના પગલે પિતાપુત્રના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને અન્ય એકને ઇજા થઈ હતી.
આ અજાણ્યો વાહનચાલક ટુ-વ્હીલરને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. આ ઘટનાના પગલે જાફરાબાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેણે પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તેની સાથે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે અજાણ્યા વાહનચાલકને શોધવા માટે નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવા માંડ્યા છે. તેની સાથે અકસ્માતના સંદર્ભમાં બીજા પાસાઓ પણ પોલીસ ચકાસી રહી છે. પિતાપુત્રના મોત થતાં સમગ્ર કુટુંબ શોકમાં ગરકાવ થઈ ગયું છે. કુટુંબે તેનો મોભી અને તેમના ભવિષ્યની આશા બંને ગુમાવ્યા છે. અજાણ્યા વાહનચાલકની ફક્ત ઝડપની મજા લેવાની વૃત્તિના લીધે પિતાપુત્ર બંનેએ જીવ ગુમાવ્યા છે.
રસ્તા પર વાહનચાલકો કેવી રીતના બેફામ બની ગયા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ જોતાં તો એવું જ લાગે છે કે જાણે જીવનની કોઈ કિંમત જ રહી નથી. પોલીસે તપાસ તો શરૂ કરી છે, પણ અહીં જે પ્રકારે નજીકમાં કોઈ સીસીટીવીના સગડ મળ્યા નથી તે જોતાં ભાગેડુ વાહનચાલક હાથમાં આવે તેવી સંભાવના ઓછી છે. ગુજરાતમાં જાણે માર્ગ અકસ્માત સામાન્ય બની ગયા હોય તેવી સ્થિતિ છે. અકસ્માતના કેસો કોર્ટોમાં ચાલતા રહે છે અને પછી પીડિતને છેલ્લે સમખાવા પૂરતું વળતર મળે છે.