એર ઈન્ડિયા એક્સપ્રેસે ’સિક લીવ’ પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

નવીદિલ્હી,એર ઈન્ડિયા એક્સપ્રેસ ’સિક લીવ’ પર ગયેલા કર્મચારીઓને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસે ’સિક લીવ’ પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એર ઈન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને બરતરફીની નોટિસ આપી છે.

હકીક્તમાં ૧૦૦ થી વધુ ક્રૂ મેમ્બર્સ અચાનક માંદગીની રજા પર જવાને કારણે એરલાઇનને છેલ્લા બે દિવસમાં તેની ૯૦ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ કેબિન ક્રૂ મેમ્બર્સ પોતાની માંગણીઓને લઈને એક પ્રકારની હડતાળ પર ઉતરી ગયા છે. મંગળવારે જ્યારે એરલાઈન્સની ઘણી ફ્લાઈટ્સ ઉપડવાની હતી ત્યારે છેલ્લી ક્ષણે કેબિન ક્રૂ સભ્યોએ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા. જ્યાં સુધી કેબિન ક્રૂનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી એર ઈન્ડિયા એક્સપ્રેસને તેની કામગીરીમાં વિક્ષેપનો સામનો કરવો પડશે.

ગઇકાલે એર ઈન્ડિયા એક્સપ્રેસની ૭૦ થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ટાટા ગ્રૂપની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને દેશવાસીઓને આ જાણકારી આપી છે. ફ્લાઈટ કેન્સલ થવાનું કારણ અચાનક રજા પર ગયેલા ક્રૂ મેમ્બર્સ હોવાનું કહેવાય છે. મંગળવારની રાતથી બુધવારની સવારની વચ્ચે આ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલે તપાસ કરી રહી છે.