ઐતિહાસિક ચુકાદો

સર્વોચ્ચ અદાલતે ધારાસભ્યો અને સાંસદોને સદનની અંદર ભાષણ કે વોટ આપવા માટે લાંચ લેવા મુદ્દે અપરાધિક કેસથી છૂટકારો આપતા ૧૯૯૮ના પોતાના જ ચુકાદાને પલટી નાખીને બિલકુલ યોગ્ય કામ કર્યું છે. એવા કોઈ ચુકાદાની એટલે જરૂર હતી, કારણ કે આ છૂટ લોક્તાંત્રિક મૂલ્યો-મર્યાદાઓનું હનન કરતી હતી, સાથે જ તેનો ગેરલાભ પણ ઉઠાવાઇ રહ્યો હતો. તેનું જ એક પ્રમાણ તૃણમૂલ કોંગ્રેસની નેતા મહુઆ મોઇત્રા છે, જેની થોડા સમય પહેલાં લોક્સભાની સદસ્યતા એટલા માટે રદ્દ કરી દેવાઈ હતી, કારણ કે તે ઉપહાર લઈને સંસદમાં સવાલ પૂછવા માટે દોષી જણાઈ હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેના વિરુદ્ઘ એમપી-એમએલએ કોર્ટમાં અપરાધિક કેસ નોંધાઈ શકે છે. એ કોઈથી છૂપું નથી કે આના પહેલાં પણ કેટલાક સાંસદો પૈસાને બદલે સવાલ પૂછવાના આરોપોમાં ઘેરાઈ ચૂક્યા છે. એની પણ અવગણના ન કરી શકાય કે વિધાન પરિષદ અને રાજ્યસભાની ચૂંટણીઓમાં પૈસા લઈને વોટ આપવાના કિસ્સા સામે આવતા રહે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઝારખંડ મુક્તિ મોરચાનાં ધારાસભ્ય સીતા સોરેનની મુશ્કેલીઓ વધવી નક્કી છે. એમના પર આરોપ છે કે ૨૦૧૨માં રાજ્યસભાની ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવારને વોટ આપવાને બદલે તેમણે લાંચ લીધી હતી.

સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય પીઠે સર્વસંમતિથી પોતાના જે ચુકાદાને પલટી નાખ્યો તે ચુકાદો પણ ઝારખંડ મુક્તિ મોરચાના એ સાંસદોના કેસમાં ત્રણ-બેની બહુમતીથી આવ્યો હતો, જેમના પર એ આરોપ હતો કે તેમણે ૧૯૯૩માં નરસિંહા રાવ સરકાર વિરુદ્ઘ આવેલ અવિશ્ર્વાસ પ્રસ્તાવ દરમ્યાન લાંચ લઈને સરકારના પક્ષમાં વોટ આપ્યો. બાદમાં એ આરોપ સાચો ઠર્યો અને સીબીઆઇની તપાસમાં એ પણ સાબિત થઈ ગયું કે કેટલા પૈસા કોના ખાતામાં ગયા. જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો તેણે એ તો માન્યું કે લાંચ લઈને વોટ આપનારા સાંસદોએ તેમના ભરોસાનો સોદો કર્યો છે, જેમનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેઓ એ વિશેષાધિકારને કારણે સુરક્ષાના અધિકારી છે, જે બંધારણે તેમને પ્રદાન કર્યો છે. આ ચુકાદાને કારણે ધારાસભ્યો અને સાંસદોને એક રીતે મનમાની કરવાની છૂટ જ મળી ગઈ. ધારાસભ્યો અને સાંસદોને વિશેષાધિકાર એટલા માટે મળેલા છે, જેથી તે સદનમાં કોઈ ભય કે સંકો વગર પોતાની વાત કહી શકે. દુર્ભાગ્યે આ વિશેષાધિકારની મનમાની વ્યાખ્યા કરતાં એ માની લેવામાં આવ્યું કે ધારાસભ્ય-સાંસદ સદનમાં ગમે તે કરી શકે છે અને ત્યાં સુધી કે પૈસા લઈને સવાલ પૂછવાની સાથે મતદાન પણ કરી શકે છે. સારું થયું કે હવે એવું નહીં થાય, પરંતુ એમાં શંકા છે કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો રાજનીતિમાં શુતિા સ્થાપિત કરી શકશે. આ શંકાનું કારણ એ છે કે હાલમાં જ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું. ભલે તેની પાછળ પૈસાની ભૂમિકા ન હોય, પરંતુ આ રાજકીય અનૈતિક્તા તો છે જ. આવી તમામ પ્રકારની અનૈતિક્તા દૂર કરવાની જરૂર છે.