ઐશ્ર્વર્યા સાથેના સંબંધો અંગે વિવેક ઓબેરોયે શું કહ્યું?:એક્ટર બોલ્યો, હવે આ બધું પૂરું થઈ ગયું છે

મુંબઈ,

એક સમય હતો જ્યારે વિવેક ઓબેરોય તથા ઐશ્ર્વર્યા રાય એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં, પરંતુ તેમના સંબંધો લાંબા ચાલ્યા નહીં. બંનેનું બ્રેકઅપ થઈ ગયું. જોકે, આ સમયે વિવેક માટે ઘણો જ મુશ્કેલીરૂપ રહ્યો હતો. ઐશ્ર્વર્યા સાથેની લવ લાઇફની કોન્ટ્રોવર્સીની અસર વિવેકના ફિલ્મી કરિયર પર પણ પડી. આથી જ વિવેક તે સમયને યાદ કરવા માગતો નથી.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં વિવેક ઓબેરોયે પોતાની ફિલ્મી કરિયરની સાથે સાથે પર્સનલ લાઇફ અંગે પણ વાત કરી હતી. વિવેકને જ્યારે પૂછવામાં આવ્યું કે જો કરિયરની શરૂઆતમાં તેણે પૂર્વ પ્રેમિકા એશ સાથેના સંબંધો જાહેર ના કર્યા હોત તો? આ સવાલના જવાબમાં એક્ટરે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. વિવેક માટે લાઇફનું આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. તેણે કહ્યું હતું કે એવું નથી કે તે આ સવાલનો જવાબ નહીં આપે, પરંતુ આ થઈ ગયું છે અને પૂરું થઈ ગયું છે.

વિવેકે કહ્યું હતું કે જે પણ યંગ ટેલેન્ટ છે, તેમણે હંમેશાં એક વાત યાનમાં રાખવી કે જો તમે તમારા જીવનમાં કામ અંગે કમિટેડ તથા ફોક્સ છો અને તમારું ૧૦૦ ટકા આપો છો તો કોઈ પણ તમારા પ્રોફેશનલિઝ્મ તથા ટેલેન્ટ પર અટેક કરી શકશે નહીં. તમે કોઈને એવી તક ના આપો કે તે તમારા પર અન્ય બાબત અંગે અટેક કરે અને તમારું ફોક્સ શિટ કરે. આ તમારા માટે તથા તમારા કરિયર પ્રત્યેના કમિટમેન્ટનું અપમાન હશે.

વિવેકને પૂછવામાં આવ્યું હતું કે ઐશ્ર્વર્યા રાય સાથેના સંબંધો પૂરા થયા બાદ કેમ તેણે ક્યારેય અંગત જીવન અંગે વાત ના કરી. જવાબમાં વિવેકે કહ્યું હતું કે તે નહોતો ઈચ્છતો કે લોકો તેના અંગત જીવન અંગે વાત કરે.

વિવેકે કહ્યું હતું કે ભારતમાં સલાહ મફતમાં મળે છે અને તેને અનેક લોકોએ એક્ટર ના બનવાની સલાહ આપી હતી. આ ઇન્ડસ્ટ્રી ઘણી જ જોખમી છે. તેને રામ ગોપાલ વર્માની ફિલ્મ ’કંપની’માં કામ કરવાની તક મળી હતી. તેણે ૨૦૦૭માં ’શૂટ આઉટ એટ લોખંડવાલા’ જેવી સુપરહિટ ફિલ્મ આપી હોવા છતાં તે ૧૮ મહિના બેકાર રહ્યો હતો. પહેલાં તમે ૧૦-૧૫ લોકોને કંટ્રોલમાં કરી લો તો બોલિવૂડ મીડિયાને પણ કંટ્રોલમાં કરી શક્તા હતા. દુર્ભાગ્યથી પાંચ-દસ લોકોએ મીડિયાના તે ૧૦-૧૫ લોકોને કંટ્રોલમાં કર્યા છે. ત્યારબાદ તેમણે જે સચ્ચાઈ બતાવવામાં આવી તે જ જોઈ અને તે જ ધારી લીધું. ધારણા હંમેશાં સત્યથી વધુ મજબૂત હોય છે.વિવેકે ઉમેર્યું હતું કે ’શૂટઆઉટ એટ લોખંડવાલા’માં તેણે ગેંગસ્ટરનો રોલ પ્લે કર્યો હતો. આ રોલના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈએ તેને કામ આપ્યું નહોતું. આની પાછળ શું કારણ હતું. હવે ડિજિટલ પ્લેટફોર્મને કારણે બધું બદલાઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે સલમાન તથા ઐશ્ર્વર્યા વચ્ચેના સંબંધો વર્ષ ૨૦૦૦માં ચર્ચામાં આવ્યા હતાં. જોકે, ૨૦૦૨માં બંને વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હતો. ત્યારબાદ ઐશ્ર્વર્યાના સંબંધો વિવેક ઓબેરોય સાથે હતાં. જોકે, એશે ક્યારેય વિવેક સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. વર્ષ ૨૦૦૩માં વિવેકે એક હોટલમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને કહ્યું હતું કે તે અને એશ સાથે આવ્યા પછી સલમાને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલમાને તેને રાત્રે નશામાં ધૂત થઈને ૪૧ વાર મિસ કોલ કર્યા હતા. આ ઘટના બાદ ઐશ્ર્વર્યાએ વિવેક સાથેના તમામ સંબંધો તોડી.