નવીદિલ્હી,
એર ઈન્ડીયાની તા.૨૬ નવેમ્બરની ફલાઈટમાં નશાની હાલતમાં ધૂત મુસાફરે બિઝનેસ કલાસમાં જ તેની સાથે બેઠેલા એક અન્ય મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો અને મહિલાએ કેબીન ક્રુને જાણ કરી હોવા છતાં પણ તેને રોકાયો ન હતો અને પ્લેન લેન્ડ થયા બાદ પણ તે બિન્દાસ્ત રીતે ચાલ્યો ગયો હતો.
ન્યુયોર્કથી દિલ્હી આવતી એરઈન્ડીયાની ફલાઈટમાં ૭૦ વર્ષના એક મહિલા મુસાફર સાથે બનેલી આ ઘટના અંગે કેબીન ક્રુએ પણ રિપોર્ટ કરવાની ચિંતા કરી ન હતી જયારે હાલમાં જ આ મહિલાએ એર ઈન્ડીયાના ચેરમેન એન.ચંદ્રશેખરને પત્ર લખીને ઘટનાની જાણ કરતા હવે તપાસ શરુ કરવામાં આવી છે. મહિલાના જણાવ્યા મુજબ બપોરે એક વાગ્યાના આસપાસ ફલાઈટ ન્યુયોર્કથી રવાના થઈ હતી .બાદમાં મુસાફરોને આરામ માટે લાઈટ બંધ કરી દેવામા આવી હતી તે સમયે જ એક મુસાફર આ મહિલાની સીટ પાસે આવ્યો હતો તે સંપુર્ણ નશાની હાલતમાં હતો અને મહિલાના ઉપર પેશાબ કરીને ચાલ્યો ગયો હતો. મહિલાએ તુર્તજ કેબીન ક્રુને જાણ કરી તેમના કપડા, ચપ્પલ અને બેગ ભીંજાઈ ગયા હતા. કેબીન ક્રુએ ફક્ત સેનીટાઈઝ કરીને મામલો પુરો કર્યો હતો.
આ મહિલા બાદમાં ટોઈલેટમાં જઈને પોતાની જાતને સાફ કરી હતી તે સમયે તેને ક્રુએ પાયજામો અને ડીસ્પોઝેબલ ચપ્પલ આપ્યા હતા. લગભગ ૨૦ મીનીટ સુધી તે ટોઈલેટ પાસે રહી ત્યારબાદ પોતાની સીટ પર જવા માંગતી નહી હોવાથી તેને કેબીન ક્રુની એક સાંકડી સીટ આપવામાં આવી હતી. મહિલાએ બાદમાં ફર્સ્ટકલાસની સીટ માંગી હતી ત્યાં પહોંચવા માટે પણ ૩૦ મીનીટ રાહ જોવી પડી હતી.
એરઈન્ડીયાની ફલાઈટમાં જે મુસાફરે એક મહિલા મુસાફર પર પેશાબ કર્યો તેની ઓળખ કંપનીએ મેળવી લીધી છે અને હવે એરઈન્ડીયાની કમીટી તેના પર તપાસ કરશે અને આ મુસાફર પર હવાઈ મુસાફરીનો પ્રતિબંધ લદાઈ શકે છે.