એર કાર્ગો કોમ્પલેક્સમાં દાણચોરીનું ૨૧ કરોડનું સોનું ઝડપાયું

મુંબઈ,

ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ અંધેરીના એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી રૃા. ૨૧ કરોડની કિંમતનું દાણચોરી કરાયેલું ૩૬ કિલો સોનું અને રૃા. ૨૦ લાખની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. આ મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ડીઆરઆઇના અધિકારીઓએ ચોક્કસ માહિતીના આધારે સોમવારે એર કાર્ગો કોમ્પ્લેક્સ, મુંબઇ કસ્ટમ્સમાં તપાસ હાથધરી હતી. તેમણે પ્રોસેસિંગના વિવિધ તબક્કામાં દાણચોરી કરાયેલું સોનું રિકવર કર્યું હતું, એમ અધિકારીએ કહ્યું હતું.

સોનાની દાણચોરીના કેસોની તપાસ કરતી વખતે ડીઆરઆઇને સોનાના પ્રોસેસિંગ અને વિતરણમાં સામેલ એક સિન્ડિકેટ વિશે જાણવા મળ્યું હતું. આ કિંમતી વસ્તુની ચૂકવણી હવાલા ચેનલ દ્વારા કરવામાં આવી હતી. પછી ડીઆરઆઇએ દ્વારા કેટલાક વિદેશી નાગરિકો અને શંકાસ્પદ ભારતીયોની પ્રવાસની પેટર્ન પર દેખરેખ રાખી આ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો.

એરકાર્ગો કોમ્પ્લેક્સમાંથી પ્રોસેસિંગના વિવિધ તબક્કામાં ૩૬ કિલો સોનું જપ્ત કર્યું હતું. એની કિંમત રૃા. ૨૧ કરોડ છે. આ પરિસરના ઇન્ચાર્જ વ્યક્તિ પાસેથી રૃા. ૨૦ લાખની બિનહિસાબી રોકડ મળી હતી. તેની ધરપકડ કરવામાં આવી છે, એમ અધિકારીએ કહ્યું હતું.

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે જુદી જુદી વ્યક્તિ પાસેથી સોનુ મેળવ્યું હતું. એમાં અમૂક વિદેશી નાગરિક હતા તેમણે સોનાની કેપ્સ્યુલના રૂપ માં શરીરમાં છુપાવીને ટ્રાવેલ બેગ, કપડા, વિવિધ પ્રકારના મશીનો દ્વારા દાણચોરી કરી હતી.

આ સોનું તેમના સ્થાનિક સાથીદારને પહોંચાડવામાં આવતું હતું. તે સિન્ડિકેટનો ભાગ હોવાની શંકા છે. દરરોજ ચોક્કસ કોડનો ઉપયોગ કરાતો હતો કસ્ટમ્સ એકટ હેઠળ આરોપીને પકડીને વધુ તપાસ ચાલી રહી છે.