નવીદિલ્હી, દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ મંગળવારે અચાનક જ હવામાં લથડિયા ખાવા લાગી. આ દરમિયાન ૭ મુસાફરો ઘાયલ થયા છે. એર ઈન્ડિયાના બી૭૮૭-૮૦૦ એરક્રાફ્ટ વીટી એએનવાય એ આઇ-૩૦૨ ફ્લાઈટ મંગળવારે દિલ્હીથી રવાના થઈ હતી. સિડની નજીક પહોંચતા સમયે ખરાબ હવામાનને કારણે પ્લેનને આંચકો લાગવા લાગ્યો હતો.
ક્રૂએ અકસ્માત દરમિયાન ગભરાયેલા અને ઘાયલ મુસાફરોને પ્રાથમિક સારવાર આપી હતી. આ દરમિયાન મુસાફરો તરીકે મુસાફરી કરી રહેલા ડૉક્ટર અને નર્સે પણ ઘાયલોને મદદ કરી હતી. સિડની એરપોર્ટ પર ઉતર્યા બાદ માત્ર ૩ મુસાફરોને તબીબી સારવાર મળી હતી. આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.
ડીજીસીઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિડની એરપોર્ટ પર ૭ ઘાયલ મુસાફરોની સારવાર કરવામાં આવી હતી. જો કે, કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. હજુ સુધી આ ઘટના પર એર ઈન્ડિયા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
એર ઈન્ડિયાના પાઇલટે ગર્લફ્રેન્ડને કોકપીટમાં બોલાવી, તેને ઓબ્ઝર્વર સીટ પર બેસાડી: દુબઈથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પાઈલટ તેની ગર્લફ્રેન્ડને કોકપીટમાં લઈ ગયો. બંને એક કલાક ત્યાં રોકાયા. પાઇલટે ક્રૂને તેના માટે ગાદલા મગાવવા અને દારૂ પીરસવાનું કહ્યું. પાઈલટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
એર ઈન્ડિયાના ફૂડમાં કીડો જોવા મળ્યો, શેફ સંજીવ કપૂરે પણ શેર કર્યો ફોટો: એક જ દિવસમાં બે રૂટ પર ઉડતી બે ફ્લાઈટ્સમાં યાત્રીઓએ ખોરાક અંગે ફરિયાદ કરી હતી. તેમાંથી એક પ્રખ્યાત શેફ સંજીવ કપૂર હતા. એક મુસાફરને તેના બિઝનેસ ક્લાસના ભોજનમાં કીડો મળ્યો હતો. સંજીવ કપૂરે ફૂડનો ફોટો પોસ્ટ કરીને પૂછ્યું, શું આપણે ભારતીયોએ નાસ્તામાં આ ખોરાક લેવો જોઈએ?