એર ઇન્ડિયાની ૬૦૦ પોસ્ટ માટે ૨૫૦૦૦ લોકો ઇન્ટરવ્યુ માટે ઉમટ્યાં, મુંબઈ એરપોર્ટ પર નાસભાગ જેવી સ્થિતિ

મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયા દ્વારા ‘એરપોર્ટ લોડર’ માટે ભરતી દરમ્યાન નાસભાગ જેવી સ્થિતિ પેદા થઈ હતી. ૬૦૦ પોસ્ટ માટે ૨૫,૦૦૦થી વધુ અરજદારો આવ્યા અને એર ઇન્ડિયાના કર્મચારીઓને ભીડને સંભાળવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વીડિયોમાં જોઇ શકાય છે કે, ફોર્મ કાઉન્ટર સુધી પહોંચવા માટે અરજદારો એકબીજાને ધક્કા મારી રહ્યા છે.

નોકરી મેળવવા માટે યુવકો ધક્કામુક્કી કરતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, એર ઈન્ડિયાએ યુટિલિટી એજન્ટની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી માટે વોક-ઈન ઈન્ટરવ્યૂ લીધા હતા. જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. કંપનીએ જણાવ્યું કે લગભગ ૨૫,૦૦૦ લોકો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા, નોકરી મેળવવાનો ધસારો કાબૂ બહાર ગયો. આ પછી કંપનીએ લોકોને તેમના સીવી સબમિટ કરવા અને ત્યાંથી જવાનું કહ્યું.એરપોર્ટ લોડર્સને એરક્રાટ લોડિંગ-અનલોડિંગ, બેગેજ બેલ્ટ અને રેમ્પ ટ્રેક્ટર ચલાવવાનું કામ સોંપવામાં આવે છે. દરેક એરક્રાફ્ટને સામાન, કાર્ગો અને ખાદ્યપદાર્થોના પુરવઠાને હેન્ડલ કરવા માટે ઓછામાં ઓછા પાંચ લોડર્સની જરૂર પડે છે.

એરપોર્ટ લોડરનો પગાર દર મહિને રૂ. ૨૦,૦૦૦ થી રૂ. ૨૫,૦૦૦ ની વચ્ચે હોય છે, પરંતુ મોટાભાગના લોકો ઓવરટાઇમ ભથ્થા પછી રૂ. ૩૦,૦૦૦ કરતાં વધુ કમાય છે. નોકરી માટે શૈક્ષણિક માપદંડ મૂળભૂત છે, પરંતુ ઉમેદવાર શારીરિક રીતે મજબૂત હોવા જોઈએ. ત્યારબાદ જ ઉમેદવારને નોકરી પર રાખવામાં આવે છે.

જો કે, થોડાક દિવસો પહેલા ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ સામે આવી હતી. ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વરમાં ૪૦ પદ પર ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં વૉક-ઇન ઇન્ટરવ્યૂ માટે ૮૦૦ લોકો પહોંચ્યા હતા, તે સમયે પણ ભયંકર નાસભાગ મચી હતી. હોટલના એન્ટ્રી ગેટના રેમ્પ પર ચઢવાની કોશિશ કરતા અરજદારોની લાંબી ક્તાર અને ધક્કામુક્કીનો વીડિયો વાયરલ થયો હતો. આ દરમિયાન રેમ્પની રેલિંગ પણ તૂટી ગઈ હતી. જેના કારણે ઊભેલા ઉમેદવારે એક્સામટે પડી ગયા હતા, જોકે સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી.