
કોલકાતા એરપોર્ટ પર બુધવારે રનવે પર પાર્ક કરેલા એર ઈન્ડિયાના વિમાન સાથે ઈન્ડિગોની ફ્લાઈટ અથડાઈ હતી. આ ટક્કરમાં બંને વિમાનોને નુકસાન થયું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટની પાંખનો એક ભાગ તૂટી ગયો હતો.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. તેમજ ઈન્ડિગોના પાઈલટ અને કો-પાઈલટ બંનેને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે.
DGCAના અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ઈન્ડિગોની A320 VT-ISS ફ્લાઈટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ 737 VT-TGG વચ્ચે બની હતી.
એર ઈન્ડિયાનું વિમાન ચેન્નાઈ માટે ટેકઓફ થવાનું હતું અને રનવે પર પહોંચવાની રાહ જોઈ રહ્યું હતું. તે દરમિયાન ઈન્ડિગોની ફ્લાઈટ રનવે પર આવી અને એર ઈન્ડિયાના પ્લેન સાથે અથડાઈ હતી. જેના કારણે વિમાનની પાંખને નુકસાન થયું હતું.
અધિકારીએ જણાવ્યું કે, “અમે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે અને ઈન્ડિગો એરલાઈન્સના બંને પાઈલટને ઓફ-રોસ્ટર કરવામાં આવ્યા છે.” તપાસ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. તપાસ માટે બંને ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી.
આ ઘટના અંગે ઈન્ડિગો દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. એરલાઇનના પ્રવક્તાએ કહ્યું- કોલકાતા એરપોર્ટ પર ઇન્ડિગો અને અન્ય એરક્રાફ્ટ વચ્ચે સામાન્ય ટક્કરની માહિતી મળી હતી. વિમાનને તપાસ માટે રોકી દેવામાં આવ્યું હતું. આ કારણે કોલકાતા અને દરભંગા વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6152 મોડી પડી છે. પ્રોટોકોલ મુજબ ઘટનાનો રિપોર્ટ DGCAને સુપરત કરવામાં આવશે.
7 માર્ચ, 2024: આ વર્ષે 7 માર્ચે, બેંગલુરુથી ભોપાલ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મહિલાને ડનલોપ વગરની સીટ મળી હતી. આ ઘટના ફ્લાઇટ 6E 6465માં બની હતી. ફોટો વાયરલ થયા બાદ ઈન્ડિગોએ સ્પષ્ટતા આપવી પડી હતી. મહિલા મુસાફરની પોસ્ટનો જવાબ આપતા એરલાઈને લખ્યું કે સફાઈ માટે ડનલોપ હટાવી દેવામાં આવ્યા હતા.
17 નવેમ્બર 2023: ગયા વર્ષે નવેમ્બરમાં, દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડીક સેકન્ડોમાં, બે ઈન્ડિગો વિમાનો એકબીજાની એટલી નજીક આવી ગયા કે ટકરાતા ટકરાતા બચી ગયા. બંનેને ફ્લાઇટ ડેકમાં ટ્રાફિક એલર્ટ અને કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ (TACAS) દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ વિમાનોએ તેનો માર્ગ બદલી નાખ્યો હતો.
15 જૂન 2023: અમદાવાદ એરપોર્ટ પર 15 જૂને ઈન્ડિગો પ્લેનના લેન્ડિંગ દરમિયાન પાછળનો ભાગ જમીન સાથે ટકરાયો હતો. ફ્લાઇટ 6E6595 બેંગલુરુથી અમદાવાદ આવી હતી. આ ઘટના બાદ DGCAએ પાયલટોને ડ્યુટી પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો.
11 જૂન 2023: 11 જૂને દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ઈન્ડિગો પ્લેનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો. ઈન્ડિગો એરક્રાફ્ટ A321-252NX (Neo) એરક્રાફ્ટ નંબર- 6E-6183 પર કોલકાતાથી દિલ્હી આવી રહી હતી. આ ઘટના દિલ્હી એરપોર્ટના રનવે 27 પર બની હતી.
અમેરિકામાં અલાસ્કા એરલાઈન્સની બોઈંગ 737-9 મેક્સ ફ્લાઈટ સાથે 5 જાન્યુઆરીએ મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. પોર્ટલેન્ડથી ઓન્ટારિયો, કેલિફોર્નિયા જતું પ્લેન ટેકઓફ કર્યા બાદ 16 હજાર ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે પ્લેનનો દરવાજો હવામાં જ નીકળી ગયો હતો. આ પ્લેનનો ઈમરજન્સી એક્ઝિટ ડોર હતો.