દ્વારકા, દ્વારકામાં આવેલી એરફોર્સ કોલોની પાસે એક શખ્સે પોતે આર્મીનો કેપ્ટન હોવાનું નકલી આઈ-કાર્ડ બતાવી અને ખોટી ઓળખ ઊભી કરતા આ અંગે એરફોર્સના અધિકારી દ્વારા ભીમરાણાના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દ્વારકામાં એરફોર્સના અધિકારી પ્રવિણકુમાર અજયકુમાર પાંડે દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ૧૪ માર્ચના રોજ સાંજે ફરજ પર રહેલા ડી.એમ.સી. સિક્યુરિટી ગાર્ડ તેમજ એરફોર્સ અધિકારી પ્રવીણકુમાર પાંડે વગેરેને આર્મીના કેપ્ટન અંગેની ઓળખ આપતું નકલી આઈ-કાર્ડ, સવસ કાર્ડ તથા લિકવર અને ગ્રોસરી કાર્ડ બતાવી અને દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે રહેતા મહેશ અરવિંદ ચાસિયા નામના શખ્સ દ્વારા ખોટી ઓળખ ઊભી કરવામાં આવી હતી.
આર્મીના કેપ્ટન ન હોવા છતાં પણ આ પ્રકારના ખોટા કાર્ડ બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને આર્મીના કેપ્ટન તરીકેની ખોટી ઓળખ આપીને ઠગાઇ કરવામાં આવી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે એરફોર્સના અધિકારી પ્રવીણકુમાર પાંડેની ફરિયાદ પરથી ભીમરાણાના મહેશ અરવિંદ ચાસીયા સામે ગુનો નોંધી, આગળની વધુ તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.વી. રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.