
નાસિક, મહારાષ્ટ્રના નાસિકમાં પેટ્રોલ પંપ પાસે એક મોટરસાઇકલ પર સવાર બે લોકોએ માલેગાંવના પૂર્વ મેયર અબ્દુલ મલિક પર ગોળીબાર કર્યો હતો. એક પોલીસ અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ઘટનામાં અબ્દુલ મલિક ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે મોડી રાત્રે ૧.૨૦ વાગ્યે બની હતી. પૂર્વ મેયર તે સમયે ઓલ્ડ આગ્રા રોડ પર એક દુકાનની બહાર બેઠા હતા. આ દરમિયાન બે અજાણ્યા લોકો ત્યાં પહોંચ્યા અને અબ્દુલ મલિક પર ત્રણ ગોળીઓ ચલાવી. અધિકારીએ જણાવ્યું કે મલિકને છાતી અને પગમાં ગોળી વાગી હતી. હાલમાં, પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ હેઠળ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંયો છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે