અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં 9 લાશો ઢાળી દેનાર આરોપી તથ્ય પટેલને જેલમાં ધકેલવામાં આવ્યો છે. તથ્યના ત્રણ દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમા પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા તેને જેલમાં મોકલવાનો આદેશ કરાયો છે. જો કે કોર્ટે તથ્યને તેના વકીલને મળવા દેવાની મંજૂરી ગ્રાહ્ય રાખી છે.
બુધવારે 19 જૂલાઈની મધ્યરાત્રિએ માલેતુજારના બિલ્ડર, જમીન દલાલ અને રાજકીય વગ ધરાવતા પ્રજ્ઞેશ પટેલના આ ગુમાની દીકરાએ 142ની સ્પીડે જગુઆર કાર ચલાવી ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 9 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને મરણની ચિત્કારીઓ ઉઠી હતી. આ અકસ્માતમાં મૃતકોમાં 2 પોલીસના જવાનો પણ સામેલ હતા. બે પોલીસ કોન્સ્ટેબલના પણ મોત થયા હતા.
આ અગાઉ પણ તથ્ય પટેલે થાર ગાડીથી અકસ્માત કર્યો હોવાનુ પોલીસ રિમાન્ડ દરમિયાન કબૂલ્યુ છે. તથ્યએ થાર ગાડીથી ત્રીજી જૂલાઈએ સિંધુ ભવન રોડ પર આવેલી મોવ કાફેની દીવાલ સાથે અથડાવ્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યુ હતુ. ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કર્યો તેના 20 દિવસ પહેલા સિંધુભવન રોડ પર પૂરઝડપે થાર ગાડી ચલાવી કાફેની દીવાલ સાથે અથડાવી હતી. જેમા કાફેની દીવાલને નુકસાન પહોંચ્યુ હતુ.
આ બાબતે તથ્યની પૂછપરછ કરતા તથ્યએ સ્વીકાર્યુ હતુ કે તેનાથી અકસ્માત થયો હતો. જો કે આધારસૂ્ત્રોના જણાવ્યા મુજબ ત્રીજી જૂલાઈએ અકસ્માત થયો ત્યારે તે નશામાં હતો આથી સરખી રીતે કાર ચલાવી શક્તો ન હતો. આ બાબતે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ ન થાય તે માટે તથ્યના માલેતુજાર પિતાએ લાખોમાં સમાધાન કર્યુ હતુ. જો કે તથ્યએ દારૂ પીધો હતો કે નહીં તે અંગે માહિતી મળી શકે તેમ નથી.