અમદાવાદી યુવકની યુએસમાં હત્યા: કોલંબિયન ત્રાસવાદીઓએ અપહરણ કર્યું હતું, ૧ લાખ યુએસ ડૉલરની માંગ કરી હતી

અમદાવાદ, અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકામાં અમદાવાદના હિરેન ગજેરાનું અપહરણ બાદ હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. હિરેન ગજેરાની નિર્દયતાથી હત્યા બાદ ગજેરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મહત્વનું છે કે, હિરેન ગજેરાના અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ ૧ લાખ US  ડૉલર અથવા ૭૦ કિલો ડ્રગ્સની માંગણી કરી હતી.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ડો. એમ. કે. ગજેરાના પુત્ર હિરેન ગજેરા (ઉં.વ ૪૧) ૨૦૦૬માં અમેરિકા ગયા હતા. અમેરિકાના એમ્પાલમ શહેરમાં તેઓએ સાગના લાકડાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેઓ સાગના લાકડાને એક્સપોર્ટ કરતા હતા. તેઓ વર્ષ ૨૦૧૪ સુધી અમેરિકા રહ્યા બાદ અમદાવાદ પરત આવ્યા હતા. જે બાદ તેઓ ગયા વર્ષે માર્ચ મહિનામાં ફરી અમેરિકા ગયા હતા. તેઓએ ક્યુએક્ધા શહેરમાં નવું ઘર પણ બનાવ્યું હતું.

ત્રણ જૂને હિરેન ગજેરા મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે દક્ષિણ અમેરિકાના એમ્પાલમે શહેરમાંથી હિરેન ગજેરાનું કોલંબિયન ત્રાસવાદીઓ અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ ૧ લાખ યુએસ ડૉલર અથવા ૭૦ કિલો ડ્રગ્સની માંગ કરી હતી. થોડી રકઝક કર્યા બાદ ત્રાસવાદીઓ હિરેન ગજેરાને ૨૦ હજાર યુએસ ડૉલરમાં છોડવા તૈયાર થયા હતા.

ત્રાસવાદીઓએ રકમ હિરેન ગજેરાની પત્ની એકલી લઈને આવશે તેવી શરત મૂકી હતી. જે શરત તેમના પરિવારજનોએ માની લીધી હતી. છતાં ત્રાસવાદીઓએ હિરેન ગેજરાની હત્યા કરી નાખી અને તેમના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. આ ઘટના બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. હિરેન ગજેરાની હત્યા બાદ પરિવારમાં શોકનો મોજુ ફરી વળ્યું છે.