
અમદાવાદ, અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ઊંચા વ્યાજે પૈસા ધિરનારાઓની દાદાગીરી પણ વધી રહી છે. મૂડી કરતાં ડબલ રકમ ચૂકવવા છતાં વ્યાજખોરો દ્વારા સતત દબાણ કરીને વસૂલી કરાતાં નારોલ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફાલ્ગુન મહેતા અને ધરમેશ પટેલ તથા તેમના સાગરીતો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદીએ ૭ કરોડ ૭૧ લાખની રકમ સામે ૧૪ કરોડ ૪૮ લાખ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો ત્રાસ આપતા હતા.
કોરોના સમયે આર્થિક સ્થિતિ વ્યવસ્થિત ના હોવાથી ફરિયાદીએ રૂપિયા વ્યાજે લીધા હતા. ફરિયાદીએ ધંધા માટે થઈને ૭ કરોડ ૭૧ લાખ રૂપિયા લીધા હતા જેની સામે વ્યાજખોરોને અત્યાર સુધી ૧૧ કરોડ ૧૫ લાખ રૂપિયા પરત ચૂકવેલા છે. આ સિવાય વધારાની રકમમાં ૨ કરોડ ૬૫ લાખ રોકડમાં આપી છે. તો ધંધાની ઉઘરાણી પેટે ૨ કરોડ ૫૭ લાખ રૂપિયા લઈ લીધા છે.
આ સિવાય વ્યાજખોરોએ ફરિયાદીની સેવિંગ તથા કરન્ટ ખાતાની ચેકબુક પણ લઈને ગયા છે. તદુપરાંત ફરિયાદીને ધમકી આપી તેની મોંઘી કારો પણ લઈ જવા સાથે જો વધુ પૈસા નહીં ચૂકવે તો પરિવારમાં તમામના અપહરણની પણ ધમકી આપી છે. ફરિયાદીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.