અમદાવાદમાં ટિકિટ ફાળવણીમાં પટેલ અને બ્રાહ્મણોનું વર્ચસ્વ: ૧૯માંથી દસ ટિકિટ બેના ફાળે

અમદાવાદ શહેર અને જિલ્લાની થઈને કુલ ૨૧ વિધાનસભા મતવિસ્તારની બેઠકોમાંથી ૧૯ના ઉમેદવાર જાહેર કર્યા છે.

અમદાવાદ,

ભાજપે વિધાનસભા ચૂંટણી ૨૦૨૨નું બ્યુગલ ફૂંક્તા એક જ ઝાટકે તેના ૧૬૦ ઉમેદવાર જાહેર કરી દીધા છે. તેમા અમદાવાદ શહેર અને જિલ્લાની થઈને કુલ ૨૧ વિધાનસભા મતવિસ્તારની બેઠકોમાંથી ૧૯ના ઉમેદવાર જાહેર કર્યા છે. અમદાવાદમાં સાણંદ અને વટવા બેઠક પરના ઉમેદવારની હજી સુધી જાહેરાત કરાઈ નથી. તેની સાથે ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક માટે ઉમેદવાર છે.

જ્ઞાતિના ધોરણે જોઈએ તો બ્રાહ્મણને ચાર, પટેલને છ, વાણિયાને બે, ઓબીસીને ચાર, એસસીને બે ટિકિટ મળી છે. આમ અમદાવાદમાં ટિકિટ વહેંચણીમાં બ્રાહ્મણ પટેલનું વર્ચસ્વ રહ્યું છે. તેની સામે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદમાં શહેર અને જિલ્લાની થઈને ૨૧ બેઠકોમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં આઠ પટેલોને ટિકિટ આપી હતી.

પાટીદાર આંદોલનના આક્રોશને ઠારવાના વ્યૂહરૂપે ભાજપે વધુને વધુ પટેલોને ટિકિટ આપવાનો વ્યૂહ અપનાવ્યો હતો. તેમા વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ઘાટલોડિયામાંથી ટિકિટ આપવામાં આવી હતી. ભાજપનો આ વ્યૂહ મહદઅંશે ફળ્યો પણ હતો ભાજપ કુલ ૨૧ બેઠકમાંથી ૧૫ જીત્યું હતુ અને પટેલોને ફાળવેલી આઠ ટિકિટમાંથી સાત ટિકિટ પર પટેલોએ જીતીને અનામત આંદોલનની અસરને ખાળી હતી. જ્યારે બ્રાહ્મણોમાં ફક્ત એક ભૂષણ ભટ્ટને ટિકિટ આપી હતી અને ભૂષણ ભટ્ટ પણ હાર્યા હતા.

જ્યારે ભાજપના યુવા મોરચાના પ્રમુખ અમિત ઠાકરને ટિકિટ માટેનો લાંબો ઇંતેજાર ફળ્યો છે. તેમને અમદાવાદ વેજલપુરની ટિકિટ મળી છે. એલિસબ્રિજમાંથી અમિત શાહને ટિકિટ મળી છે. નારણપુરામાંથી જીતેન્દ્ર પટેલને ટિકિટ મળી છે. નિકોલમાંથી જગદીશ પંચાલને ટિકિટ મળી છે, નરોડામાંથી પાયલ કુકરાણીને ટિકિટ મળી છે. કંચનબેનને ઠક્કરબાપા નગરમાંથી ટિકિટ મળી છે. બાપુનગરમાંથી દિનેશ કુશવાહને ટિકિટ મળી છે. અમરાઇવાડીમાંથી ડો. હસમુખ પટેલને ટિકિટ મળી છે. કૌશિક જૈનને દરિયાપુરમાંથી ટિકિટ મળી છે.

કૌશિક જૈનને દરિયાપુરમાંથી ટિકિટ મળી છે. ભૂષણ ભટ્ટને જમાલપુર ખાડિયામાંથી ટિકિટ મળી છે. અમુલ ભટ્ટને મણિનગરમાંથી ટિકિટ મળી છે. દાણી લીમડામાંથી નરેશ વ્યાસને ટિકિટ મળી છે. સાબરમતીમાંથી ડો. હર્ષદ પટેલને ટિકિટ મળી છે. અસારવામાં એસસી માટે અનામત બેઠક પર દર્શના વાઘેલાને ટિકિટ મળી છે. દસક્રોઈમાંથી રાબેતા મુજબ બાબુ પટેલને ટિકિટ મળી છે. ધોળકામાં કિરીટ ડાભીને ટિકિટ મળી છે. ધંધુકામાં કાનન ડાભીને ટિકિટ મળી છે. આમ ૧૯માંથી ત્રણ મહિલા અને ૧૬ પુરુષ ઉમેદવારને ટિકિટ મળી છે.