અમદાવાદમાં દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને કરેલા તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અરપોર્ટથી આવી રહેલા દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને 60 હજાર રૂપિયાનો તોડ કર્યો હોવાનું સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકાર્યુ છે. સરકારે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું છે કે, આ પોલીસકર્મીઓએ તોડ કર્યાના પુરાવા મળ્યા છે. ઓગણજ ટોલ બુથના CCTVમાં પુરાવા મળ્યા છે. જેથી 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે, જ્યારે એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે.
સરકારે કહ્યું છે કે, ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી શકશે નહીં, રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશન અને કમિશનરની હકુમતમાં આવતા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હોવાની સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઇકોર્ટે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં આ માર્ગદર્શિકા જાહેર કરવાની ટકોર કરી છે.
આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, કાયદાના રક્ષક જ ભક્ષક બને તે વ્યાજબી નથી. જાહેર પરિવહનના વાહનમાં હેલ્પલાઈન નંબર ડિસ્પ્લે થવા જોઈએ. હેલ્પલાઈન નંબર મુસાફરોને યોગ્ય રીતે દેખાવવા જોઈએ. નાગરિકોના અધિકારોનું હનન થતા સરકારે વળતર ચૂકવવું જોઈએ.
અમદાવાદમાં પોલીસ તોડકાંડમાં હાઇકોર્ટે કડક આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, પોલીસ કોસ્ટેબલ કે કર્મચારીએ ફરજ દરમિયાન વર્દી પહેરવી ફરજિયાત છે. પોલીસ કર્મચારી વર્દી સાથે જ ફરજ સ્થળે હોવા જોઇએ. આ સાથે જ પોલીસ કર્મીએ વર્દી સાથે નેમ પ્લેટ પણ રાખવી ફરજિયાત છે. મહત્વનું છે કે, અરપોર્ટથી આવી રહેલા દંપતી પાસેથી વર્દી વગરના ત્રણ પોલીસકર્મીઓએ 60 હજારનો તોડ કર્યો હતો.
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની થોડા દિવસ અગાઉ ઉબેર કારમાં એરપોર્ટથી ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન ઓગણજ સર્કલ નજીક ટ્રાફિક પોલીસે તેમની ટેક્સીને રોકી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે ઉબેર કારમાં બેઠેલા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની પાસેથી પૈસાની માંગણી કરી હતી. ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી આવતી ટેક્સીને રોકી ટ્રાફિક પોલીસકર્મીએ કારમાં બેસેલા પેસેન્જર પાસેથી 2 લાખની માંગણી કરી હતી અને તેમને ધમકી આપી હતી. જે બાદ તેઓએ મિલનભાઈ પાસેથી 40 હજાર રોકડા પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીના પત્નીના ફોનમાંથી ઉબેરના ડ્રાઈવરના ફોનમાં 20 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ ઘટનાની જાણ કોઈને ન કરવાની પણ ધમકી આપી હતી. જે બાદ મિલનભાઈ કૈલા સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ 2 ટ્રાફિક પોલીસ અને એક TRB જવાન સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સોલા પોલીસે ટ્રાફિક એ ડિવિઝનમાં ફરજ બજાવતા ASI મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા 3 આરોપીમાંથી બે આરોપી મુકેશ ચૌધરી અને અશોક ચૌધરી એ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકના સ્પિડ ગન ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા.
તોડ કરનારા પોલીસકર્મીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. ત્યારે ત્રણેય આરોપીઓનાં ગ્રામ્ય કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેમના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
ખંડણીખોર પોલીસકર્મીઓ સામે ગુજરાત હાઈકોર્ટે લાલઆંખ કરી હતી. સોલા તોડકાંડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. સમગ્ર કેસમાં હાઇકોર્ટે પોલીસ કમિશનરને વિગતવાર રિપોર્ટ કરવા આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે ટ્રાફિક પોલીસનું કૃત્ય અમાનવીય છે. રાત્રે દંપતી જતું હોય ત્યારે ચેકિંગના નામે બળજબરી ચિંતાજનક બાબત છે.