અમદાવાદ: પત્ની પર ૧૭ વર્ષ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું, અમેરિકામાં પણ ત્રાસ ગુજારત

અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં છેલ્લા 17 વર્ષથી પત્ની પર પતિએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને અંતે પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા તેમજ નણંદ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. પતિને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોવાથી તેણે પત્ની પાસેથી રૂપિયા માંગ્યા હતા, જેથી પત્નીએ તેના પિયરમાંથી 46 લાખ રૂપિયા લાવીને પતિને આપ્યા હતા. 

આંબાવાડી વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહેતી રેખા (નામ બદલ્યુ છે)ના લગ્ન વર્ષ ૨૦૦૪માં વૈભવ સાથે થયા હતા. રેખા અને વૈભવ એકબીજાને પ્રેમ કરતા હોવાથી તેમના પરિવારને લગ્ન કરાવી આપ્યા હતા. લગ્ન બાદ રેખા સેટેલાઇટ સાસરીમાં રહેવા ગઇ હતી અને ત્યાર બાદ વર્ષ ૨૦૦૬માં રેખા અને વૈભવ લંડન રહેવા માટે જતા રહ્યા હતા. વૈભવને જુગાર રમવાની ટેવ હોવાથી રેખા તેને અવારનવાર રોક્તી હતી. જોકે, વૈભવ રેખા સાથે બબાલ કરતો હતો. રેખાએ લંડનમાં બે દિકરીઓને જન્મ આપ્યો હતો અને બાદમાં વર્ષ ૨૦૦૯માં તે અમદાવાદ આવી ગયા હતા.

અમદાવાદ આવીને રેખાએ તેની મોટી સાસુની પાંચ વર્ષ સુધી સેવા કરી હતી. જેમાં પણ તેની નણંદ દેવાંશી સહિતના સાસરીયા હેરાન પરેશાન કરતા હતા. રેખાને નોકરી કરવાનો વિચાર આવતા તેણે તેના પતિને વાત કરી હતી. જોકે, વૈભવે તારામાં આવડત નથી, તું નોકરી નહીં કરી શકે, તેમ કહીને અપમાન કરતો હતો. વર્ષ ૨૦૧૮ રેખા, વૈભવ તેમજ તેમની દિકરી અને સસરા નીરીનભાઇ અમેરિકા ગયા હતા, ત્યાં પણ તેમને ત્રાસ આપ્યો હતો.

કોરોના સમયે તમામ પરિવાર પરત આવી ગયો હતો. જ્યાં વૈભવને સરદારનગરની કોઇ યુવતી સાથે લફરુ થઇ ગયું હતું. રેખાએ વૈભવને સમજાવતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને માર માર્યો હતો. થોડા સમય પહેલા વૈભવને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોવાથી તેણે રેખા પાસેથી રૂપિયા માંગ્યા હતા.

રેખાએ પોતાના પિતાના ઘરેથી ૪૬ લાખ રૂપિયા લાવી હતી. જેમાં વૈભવે ફ્લેટમાં ઇન્વેસ્ટ કર્યા હતા. રૂપિયાની ભુખ નહી સંતોષાતા વૈભવે વધુ રૂપિયા માગંવાનું ચાલુ રાખ્યુ હતું. સાસરીયાના ત્રાસથી કંટાળીને રેખા પિયર આવી ગઇ હતી જ્યા તેણે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વૈભવ, નીરીનભાઇ અને નણંદ વિરૂદ્ધ ફરિયાદ કરી છે.