અમદાવાદ: પાણી-પુરી ખાવા જેવી નજીવી બાબતે નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા

અમદાવાદ,

અમદાવાદ માં સાબરમતી વિસ્તારમાંથી એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પકોડી ખાવા જેવી સામાન્ય બાબતે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર આરોપી અમિત પંડ્યા છે. જેણે પકોડી ખાવા બાબતે પોતાના સગા મોટા ભાઈની હત્યા કરી દીધી.સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સાબરમતી વિસ્તારમાં રહેતા અજય પડ્યાં પોતાની ભાણી સાથે ઘરે હતા.

બહેન ડોલી અને બનેવી યોગેશ મહેતા પકોડી ખાવા બજારમાં નીકળ્યા હતા. ત્યારે અજયભાઇએ પોતાના માટે અને દીકરી માટે પકોડી ઘરે મંગાવી હતી. સાંજે ૬ વાગે બેન-બનેવી પકોડી લઈને આવ્યા ત્યારે નાનો ભાઈ અમિત પકોડી ખાવા બેસી ગયો. જેથી બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બોલાચાલી દરમિયાન નાના ભાઈ અમિતે આવેશમાં આવી જઈ પોતાના મોટા ભાઈ અજયનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાને લઈને સાબરમતી પોલીસમાં બહેને નાના ભાઈ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. સાબરમતી પોલીસે નાના ભાઈ અમિત વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

મૃતક અજય પંડયાના પિતા રીક્ષા ચાલક છે. જ્યારે અજય અને અમિત મજૂરી કરે છે અને સંયુક્ત પરિવારમાં રહે છે. મૃતકને સંતાનમાં એક દીકરી છે. જ્યારે આરોપી અમિતની પત્ની સાથે મનમેળ નહીં થતા તે છોડીને પિયર જતી રહી હતી. મોટો ભાઈ અજય ઠપકો આપતા અમિત સાથે અવાર નવાર ઝઘડો થતા હતા. પકોડી ખાવા બાબતે પણ ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા અમિતે ગળું દબાવીને ધક્કો મારીને હત્યા કરી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અમિત પંડ્યાનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરાંત હત્યાનું કારણ માત્ર ઠપકો આપવાનું છે કે અન્ય કોઈ અદાવત છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે તપાસ કરતા હત્યારા નાના ભાઇ અમિતે મોટાભાઈને ધક્કો માર્યો અને માથું દીવાલ સાથે અથડાતાં મોત નીપજ્યું હોવાનું જણાવ્યુ છે. હાલ પોલીસે ભાઈની હત્યા કરનાર આરોપીની સાબરમતી પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.