અમદાવાદ પછી યુપીની સ્કૂલમાં વિદ્યાર્થીઓના નમાઝ પઢવા પર વિવાદ,આચાર્યને સસ્પેન્ડ કરાયા

અમદાવાદ પછી હવે ઉત્તર પ્રદેશની એક સ્કૂલમાં વિદ્યાર્થીના નમાઝ પઢવા પર વિવાદ ઉભો થયો છે. હિન્દૂ સંગઠનોએ વિરોધ કરતા સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના લખનૌમાં ઠાકુરગંજ વિસ્તારની સરકારી પ્રાથમિક વિદ્યાલયમાં કેટલાક વિદ્યાર્થીના નમાઝ પઢવા પર વિવાદ થયો છે. હિન્દૂ સંગઠનોના વિરોધ પછી સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બે શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો જેમાં લખનૌના ઠાકુરગંજ વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક વિદ્યાલયમાં કેટલાક વિદ્યાર્થી નમાઝ પઢતા જોવા મળ્યા હતા.

હિન્દૂ સંગઠનના નેતાઓએ સ્કૂલમાં વિવાદ કર્યો હતો અને આચાર્ય સાથે ઝઘડો કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે પ્રાથમિક સરકારી સ્કૂલમાં ધોરણ 1-5 સુધીના મોટાભાગના વિદ્યાર્થી મુસ્લિમ સમાજના છે. લખનૌ બેસિક શિક્ષણ અધિકારી અરૂણ કુમાર દ્વારા જાહેર એક પત્રમાં કહેવામાં આવ્યું કે આચાર્ય મીરા યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે બે શિક્ષક મમતા મિશ્રા અને તહજીબ ફાતિમા વિરૂદ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

લખનૌ બેસિક શિક્ષણ અધિકારી અરૂણ કુમારે જણાવ્યું કે સાત-આઠ ધોરણના કેટલાક વિદ્યાર્થી એવી ગતિવિધિ કરતા હતા જે સ્કૂલ પરિસરમાં ના હોવી જોઇએ. સ્કૂલમાં કેટલાક સમયથી નમાઝ પઢવામાં આવતી હતી, અમે આ ઘટનાને લઇને આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે અને વિભાગે વીડિયો પર એક્શન પણ લીધુ છે. આ કેસની તપાસ ચાલુ છે.

અમદાવાદ શહેરના ઘાટલોડીયાની કેલોરેકસ સ્કૂલ દ્વારા ઇદના તહેવાર નિમિતે સ્કૂલમાં બાળકોને નમાઝ કરાવવામાં આવી હતી. જે મામલે હિન્દુ સંગઠનોએ સ્કૂલમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. આ અંગે ગાંધીનગર સુધી નોંધ લેવાઈ હતી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ પાસે ખુલાસો માંગીને તપાસ કરવામાં આવી હતી.