
અમદાવાદના માંડલ તાલુકાના કાચરોલ ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યુ છે. ભારે વરસાદને પગલે કાચરોલ જવાના માર્ગે પાણી ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં અવરજવર માટે ટ્રેકટરનો સહારો લેવો પડી રહ્યો છે. વર્ષોથી દર ચોમાસાએ કાચરોલ ગામ આજ પ્રકારે સંપર્ક વિહોણુ બને છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જ મદદ મળતી નથી. વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર કામગીરી નહીં કરતુ હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.
હાલ અવરજવર શક્ય ન હોવાથી ગામની સગર્ભા મહિલાઓ અને બીમાર દર્દીઓને પારાવાર હાલાકી સહન કરવી પડે છે. બીમાર લોકો પીડામાં કણસતા રહે છે અને નિયમીત સારવાર મળી શક્તી નથી. વર્ષોથી દર ચોમાસાએ આ જ પ્રકારની સ્થિતિ હોવા છતા તંત્ર ગકોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ છે.
માંડલ તાલુકામાં આવેલા આ ગામમાં સીતાપુરથી કાચરોલ જતા રસ્તા પર જળબંબાકારની સ્થિતિ છે. ત્રણ કિલોમીટરના રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. હાલ ગામલોકોની તંત્ર પાસે મદદની માગ કરી રહ્યા છે. ગામ બહાર જવા માટે ટ્રેક્ટર હોય તો જ જઈ શકાય તેવી સ્થિતિ છે. ટ્રેક્ટર વિના અવરજવર શક્ય જ નથી.