અમદાવાદ, અમદાવાદની જાણીતી અને અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એસવીપી હોસ્પિટલના ડોક્ટર પર મહિલાને છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. સોનોગ્રાફી કરાવવા આવેલી મહિલાના ગુપ્તાંગમાં અડપલાં કરતાં મહિલાએ પોતાના પતિને જાણ કરતાં આખોય મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સોનોગ્રાફી કરાવવા આવેલી મહિલાએ એસવીપી ના તબીબ વિવેક વિરુધ છેડતીનો આરોપ મુક્યો છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફિલ્મી ગીતો ગાઈને ડોક્ટર સગર્ભાને ગંદી રીતે જોવા લાગ્યો અને તપાસના બહાને મહિલા તબીબને બહાર મોકલી દીધી હોવાનો આરોપ લાગ્યો છે.
એસવીપી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા ગયેલી મહિલાએ પુરુષ ડોક્ટરે તેની છેડતી કર્યાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસમાં નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે, સોનોગ્રાફી દરમિયાન ડોક્ટર ગીતો ગાતા હતા અને શારીરિક અડપલાં કરતા હતા. મહિલા દોડીને બહાર ભાગી ગઈ હતી અને અન્ય ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવી હતી. મહિલા દરિયાપુરની રહેવાસી છે. ૩૨ વર્ષની મહિલાએ એસવીપી હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગના ડોકટર વિવેક વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં સગર્ભા મહિલાનો આક્ષેપ છે કે, ગર્ભમાં હલનચલન બંધ થતાં તે ગાયનેક વિભાગમાં બતાવવા આવી હતી. ઓપીડી બંધ હોવાથી તેઓ ઈમરજન્સી વિભાગમાં ગયા હતા. અહીંથી મહિલા નર્સે તેમને ગાયનેક વિભાગમાં મોકલ્યા હતા. ડોક્ટરે સોનોગ્રાફીની શરૂઆત કર્યા પછી સાથે હાજર મહિલા ડોક્ટરને વારેવારે બહાર મોકલતા હતા અને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.
સગર્ભા મહિલાને ગાયનેક પ્રોબલેમ થતા તે તપાસ અર્થે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આવી હતી. જ્યાં તેને સોનોગ્રાફી માટે મોકલાઈ હતી. ત્યાં હાજર ડોક્ટરે મહિલા તબીબને બહાર મોકલીને સગર્ભાના શરીરે અડપલાં કરવાનું શરૂ કર્યું. જેથી મહિલા ગભરાઈ જતાં ત્યાંથી ઊભી થઈ બહાર આવી ગઈ હતી. ડોક્ટરે તેમને પૂછયું કે, ક્યાં જાવ છો? હજુ તમારી સોનોગ્રાફી કરવાની બાકી છે. પણ મહિલાએ કહ્યું હતું કે, મારે સોનોગ્રાફી નથી કરાવી? રૂમની બહાર જઈને મહિલાએ તેની સાથે આવેલી વ્યક્તિને ઘટનાની જાણ કરી હતી. તેમણે બાદમાં મહિલા તબીબ પાસે સોનોગ્રાફી કરાવી હતી. આ અંગે તેમણે પતિને જાણ કરી હતી. હોસ્પિટલે તપાસ કરાવાતા ડોક્ટરનું નામ વિવેક હોવાનું જાણવા મળતા ફરિયાદ કરાઈ હતી.
વિપક્ષ નેતા શહેજાદ પઠાણે આક્ષેપ કર્યા છે કે, એસીવીપી હોસ્પિટલમાં જે પ્રકારનું વર્તન દર્દીઓ સાથે કરવામાં આવે છે તે ખરેખર નિંદનીય છે આવા કિસ્સામાં સરકારે અને મનપાના અધિકારીઓ જો મૌન હોય તો સવાલ થાય. ડોક્ટર વિરુધ તપાસ કરીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હોસ્પિટલ તંત્રએ કરવી જોઈએ..