અમદાવાદ, રાજ્યની સૌથી મોટી અને સુરક્ષિત ગણવામાં આવતી એવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં હત્યાનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી છે. હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા કેદીએ અગમ્ય કારણોસર વહેલી સવારે ગાઢ નીંદ્રા માણી રહેલા અન્ય કેદીના માથાના ભાગે ઇંટના ફટકા મારીને હત્યા નીપજાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે રાણીપ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની વિગતો જોઈએ તો, સાબરમતી મયસ્થ જેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. જેલમાં એક કેદીએ જ બીજા કેદીની હત્યા કરી નાખી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બડા ચક્કર યાર્ડ નંબર ૪ એમાં બુધવારે સવારે ૫ વાગે આસપાસ એક કેદીએ અન્ય કેદીની હત્યા કરી છે. ૪૦ વર્ષીય ભરત પ્રજાપતિ નામનાં કેદીએ કેશાભાઈ પટેલ નામનાં ૭૧ વર્ષીય કેદી સુઈ રહ્યા હતા ત્યારે તેને માથામાં ઈંટના ફટકા માર્યા હતાં. ગંભીર રીતે ઘાયલ કેદીએ બુમાબુમ કરતાં જેલતંત્રને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. જેલની મેડીકલ ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા સમગ્ર ઘટનાની જાણ રાણીપ પોલીસને કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ભરત પ્રજાપતિ મૂળ ગાંધીનગરનો રહેવાસી છે. જે આર્મીમાં મયપ્રદેશના ગ્વાલીયર ખાતે સીપાઇ ફરજ બજાવતો હતો. હત્યાના ગુનામાં તેને ૬ જુલાઇ ૨૦૨૩ના દિવસે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી તે અમદાવાદની સાબરમતી જેલમાં કેદ હતો. જ્યારે મૃતક કેશાભાઇ પટેલ હત્યાના પ્રયાસના ગુનામાં સજા ભોગવી રહ્યા હતાં. આરોપી ભરત પ્રજાપતિએ ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પણ અન્ય એક કેદી સાથે મારામારી કરી હતી. જે અંગે પણ જેલ વિભાગ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની જાણ રાણીપ પોલીસને કરવામાં આવતા પોલીસએ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ કબ્જે કર્યા છે. આરોપી વિરુદ્ધમાં આઇપીસીની કલમ ૩૦૨, ૩૦૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવા માટેની તજવીજ શરૂ કરી છે. આરોપીએ ક્યાં કારણોસર આ હત્યાને અંજામ આપ્યો છે તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી પોલિસ એ દિશામાં આગળ તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે,આરોપી ભરત પ્રજાપતિએ ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પણ અન્ય એક કેદી સાથે મારામારી કરી હતી. જે અંગે પણ જેલ વિભાગ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.