અમદાવાદમાં ઘરેલું હિંસાના કેસ સતત વધી રહ્યા છે અને મહિલા સામેના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની વાતોમાં મહિલાઓ સાથે હિંસા આચરવામાં આવી રહી છે. જમવા જેવી નજીવી બાબતમાં મહિલાની હિંસા કરવામાં આવે છે. મહિલા સાથે નાનીનાની વાતમાં થતી માથાકૂટ હિંસા સુધી દોરી જાય છે.
અમદાવાદના નારોલમાં ખાવા જેવી નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ગત રાત્રે જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ હત્યા સુધી વધી પહોંચી ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શાહવાડી વિસ્તારમાં પ્રદીપ વણકર નામના વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેનું દુપટ્ટા વડે ગળું દબાવીને તેનું મોત નીપજાવવામાં આવ્યું હતું. મૃતક મહિલાના પરિવારે તેના પતિ વિરૂદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બતાવે છે કે સરકાર એકબાજુએ બેટી બચાવો બેટી પઢાવોને વેગ આપી રહી છે અને બીજી બાજુએ પરીણિત મહિલાઓની કોઈને કોઈ કારણસર હત્યા કરવામાં આવી રહી છે. ક્યાંક જમવા જેવા નજીવા કારણસર હત્યા કરી દેવાય છે તો ક્યાંક દહેજના લીધે ત્રાસ આપીને હત્યા કરવામાં આવે છે. ક્યાંક તેના ચારિત્ર્ય પર શંકા રાખીને તેની હત્યા કરી દેવામાં આવે છે.
વૃદ્ધ મહિલા હોય તો તેને ડાકણ ગણાવીને તેની હત્યા કરવામાં આવે છે. બહાર રસ્તા પર ફરતી હોય તો તેને ઉઠાવી જઈને રેપ કરવામાં આવે છે. ત્રણ-ત્રણ વર્ષની બાળકી સુદ્ધાને પણ રેપિસ્ટો છોડતા નથી. કિશોરીઓ સાથે શિક્ષકો પોતે જ દુર્વ્યવહાર કરે છે. રસ્તા પર લુખ્ખા તત્વો રંજાડે છે. નોકરી કરતી હોય તો કોલકાતા રેપ કાંડ જેવી ઘટના બને છે. જ્યારે કેટલાય પ્રદેશોમાં આજે પણ દીકરીઓને જન્મતાં પહેલા જ ખતમ કરી તેની ભ્રૂણહત્યા કરવામાં આવે છે. આમ મહિલા સન્માન નહીં પણ મહિલા પર અત્યાચાર જાણે એક સાંસ્કૃતિક ધરોહર બની ગઈ છે.