અમદાવાદ, અમદાવાદથી માતૃત્વને કલંક્તિ કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જ્યા એક માતાએ પોતાની પુત્રીની નિર્મમ હત્યા કરી છે. જણાવીએ કે, શહેરના સોલાના ચાણક્યપુરીમાં પુષ્પરાજ સોસાયટી પાસે રહેતી એક માતાએ લગ્નજીવનમાંથી જન્મેલી પુત્રીને માથામાં કોઈ મંદ વસ્તુ વડે મારીને હત્યા કરી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ તેને બગીચામાં પ્લાસ્ટિકની કોથળીમાં મૃતદેહને ભરીને મુકી હતી અને બાદમાં લોહીના ડાઘાવાળા રૂમની સફાઈ કરવામાં આવી હતી. પુત્રીના મૃતદેહને કચરાના ઢગલામાં નાખીને પોતે પોલીસને બોલાવ્યા બાદ મહિલાએ જન્મ આપ્યા બાદ મૃત બાળકીને કચરાના ઢગલામાં ફેંકી દેવાનું નાટક કર્યું હતું. મૃતદેહના પોસ્ટમોર્ટમ દરમિયાન, જ્યારે તેણીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું, ત્યારે સોલા પોલીસે મહિલાની ધરપકડ કરી.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, સોલાના ચાણક્યપુરીના ચેહરનગરની ઓરડીમાં રહેતી અમિતા રમાશંકર ચૌહાણને પ્રદીપ ત્યાગી સાથે લગ્નબાહ્ય સંબંધો હતા. આ સંબંધોને પગલે પોતે ગર્ભવતી થતા બાળકીને જન્મ આપ્યો હતો. પરપુરૂષ સાથેના આડા સબંધોનું પાપ છૂપાવવા માટે અમિતાએ પુત્રીને જન્મ આપ્યા બાદ માથામાં બોથડ પદાર્થ મારીને મારી નાંખી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ અમીતાએ પ્લાસ્ટીક અને કાપડની થેલીમાં વિટાંળીને ઓરડીમાં આવેલા માળીયામાં મૃતદેહ મૂકી દીધો હતો. ત્યારબાદ તા.૪ના રોજ મકાનની પાછળ આવેલા કચરાના ઢગલામાં બાળકીનો મૃતદેહ ફેંકી દીધો હતો. ત્યારબાદ પોતે જ પોલીસને ફોન કરી મૃતદેહની જાણ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું કે, અમિતાએ પ્રદીપ સાથે લગ્ન નથી કર્યા પણ બંને વચ્ચે લગ્નબાહ્ય સબંધો છે. બીજી તરફ પીએમ રિપોર્ટમાં બાળકીને માથામાં બોથડ પદાર્થ મારી ઈજા કરી મારી નાંખવામાં આવી છે. બનાવને પગલે પોલીસે મહિલાને અટક કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટસ્ફોટ થયો હતો.